રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર 19 પાસેના ચોકમાંથી એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને મોરબીના કુખ્યાત પેડલરને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડીને આરોપી પાસેથી 67.26 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે રૂૂપિયા 2.01 લાખ થાય છે. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સની હેરાફેરીમાં વપરાતી ક્રેટા કાર, બે મોબાઈલ ફોન, રોકડ રકમ, ડિજિટલ પોકેટ વજન કાંટો તેમજ પ્લાસ્ટિકની નાની-મોટી વેક્યુમ પેક કોથળીઓ સહિત કુલ રૂૂપિયા 11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા યુવાધન નશાની બદીમાં ન હોમાય અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકે તે હેતુથી હાથ ધરવામાં આવેલા ’સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અન્વયે એસઓજી પીઆઈ એન.બી. ચૌધરી, એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ બી.બી. જાડેજા તથા પીએસઆઇ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂૂ અને શબ્બીરખાન મલેકને ચોક્કસ બાતમી મળી હતી કે, એનડીપીએસના કેસમાં નાસતો ફરતો આરોપી સફેદ કલરની ક્રેટા કાર (નંબર જીજે 01 એચ.વાય 6297) માં માદક પદાર્થનો જથ્થો લઈને ભગવતીપરા ચોકમાં આવવાનો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ કાર નજરે પડતા જ પોલીસે તેને કોર્ડન કરીને આરોપીને ઝડપી લીધો હતો અને તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી જગદીશ ઉર્ફે જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા (ઉંમર વર્ષ 31, રહે. લીલાપર રોડ, બોરીચાવાસ, યદુનંદન ગૌશાળા પાસે, મોરબી) વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આ આરોપી રાજકોટમાં કોને ડ્રગ્સનો માલ સપ્લાય કરવા આવ્યો હતો અને આ જથ્થો મૂળ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી છે.
