અટલ સરોવર વિસ્તારમાં ફૂટપાથ ઉપર વાહન ચલાવવા પ્રતિબંધ સાથે નો-પાર્કિંગ જાહેર

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી. સ્કીમ નંબર-32 માં આશરે 930 એકર વિસ્તારમાં ‘અટલ સ્માર્ટ સિટી’…

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી. સ્કીમ નંબર-32 માં આશરે 930 એકર વિસ્તારમાં ‘અટલ સ્માર્ટ સિટી’ નો આધુનિક વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ સિટી વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે મોડેલ રોડ નેટવર્ક, બીઆરટીએસ કોરિડોર, સ્પેશિયલ સાયકલ ટ્રેક, પેડેસ્ટ્રિયન ફૂટપાથ, આધુનિક સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગ અને બસ સ્ટોપ જેવી અદ્યતન માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી એવું ધ્યાન પર આવ્યું છે કે અટલ સ્માર્ટ સિટીમાં પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલાં ફૂટપાથ તેમજ સાયકલિસ્ટો માટેના સ્પેશિયલ સાયકલ ટ્રેક પર ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનોનું ગેરકાયદેસર અને બિન-અધિકૃત પાર્કિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત, આ ટ્રેક પર બેફામ વાહનોની અવર-જવરના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે અને નાગરિકો તથા સાયકલ ચાલકોની સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે.

આ ગંભીર બાબતને ધ્યાને રાખીને, પદયાત્રીઓ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા સાયકલ ટ્રેક અને ફૂટપાથ પર કોઈપણ પ્રકારના નાના કે મોટા વાહનો ચલાવવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફૂટપાથ અને સાયકલ ટ્રેકના સમગ્ર વિસ્તારને તમામ પ્રકારના વાહનો માટે ’નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક અને કટોકટીના સંજોગોમાં લાગુ પડશે નહીં. પોલીસ તંત્ર દ્વારા તમામ વાહનચાલકો અને રાજકોટના નાગરિકોને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અને સ્માર્ટ સિટીની આધુનિક સુવિધાઓનો સદ્ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.