વાહનચાલકોમાં ભારે રોષ, ઉગ્ર વિવાદો વચ્ચે જૂની ગાડીઓ માટે E-10 પેટ્રોલની વાપસી

દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે ઇ-20 ઇંધણના ઉપયોગથી…

દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે ઇ-20 ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને એન્જિનના પાર્ટ્સને પણ નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સરકાર સતત આ ઇંધણના ફાયદા ગણાવી રહી છે. જોકે, આ વિવાદ વચ્ચે એક નવો રસ્તો નીકળતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સરકાર અને ઓઇલ ઇન્ડસ્ટ્રી વચ્ચે ઇ-20ની સાથે ફરીથી ઇ10 પેટ્રોલ પણ બજારમાં ઉપલબ્ધ કરાવવા અંગે પ્રાથમિક સ્તરે વિચારણા શરૂૂ થઈ છે.

ભારતે ગયા વર્ષે જ પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાનો ટાર્ગેટ નક્કી કરેલા સમય કરતાં લગભગ 5 વર્ષ પહેલાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ દેશભરમાં ઇ-20 પેટ્રોલને મુખ્ય ઇંધણ તરીકે લાગુ કરવામાં આવ્યું. પરંતુ આ નિર્ણય બાદ ખાસ કરીને જૂના વાહનચાલકોની ચિંતા વધી ગઈ હતી. જે વાહનોના એન્જિન વધુ ઇથેનોલવાળા ઇંધણ માટે ડિઝાઇન કરવામાં નથી આવ્યા, તેમાં માઇલેજ ઘટી ગયું છે
અને કેટલાક સ્પેરપાર્ટ્સ પર પણ માઠી અસર પડી હોવાની ફરિયાદો સામે આવી હતી.

વાહનચાલકોમાં સૌથી મોટો અસંતોષ એ વાતનો હતો કે તેમને ઇંધણ પસંદ કરવાનો વિકલ્પ કેમ આપવામાં આવતો નથી? જો કોઈ ચાલક ઇ10 વાપરવા માંગતો હોય કે તેનું વાહન ઇ10 માટે સર્ટિફાઇડ હોય તો પણ હાલમાં બજારમાં કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. આ ચર્ચા વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને એક લેખમાં ઇ20ની સાથે ઇ10 પેટ્રોલ પણ આપવાનું સૂચન કર્યું હતું. તેમણે કરોડો જૂના વાહનોની સ્થિતિ અને તેમના એન્જિન બગડવાની બાબત તરફ ધ્યાન દોર્યું હતું, જેના પછી હવે ઉકેલ લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે.