ગુજરાત
સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી
સવારે ઓફિસો ખૂલતા પહેલા પોલીસ કાફલો સી.પી. ઓફિસ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, કલેકટર, બહુમાળી ભવન, આરટીઓ સહિતની કચેરીઓ પાસે ગોઠવાઇ ગયો
રાજયમાં માર્ગ અકસ્માતોથી થતી ઇજાઓ અને મૃત્યુના બનાવો અટકાવવા હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજય સરકાર સફાળી જાગી હોય તે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજીયાતનો અલ શરૂ કર્યો છે. રાજકોટમાં પણ સવારથી જ સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓના દરવાજે હેલ્મેટ ડ્રાઇવ યોજી હેલ્મેટ પહેરીને ન આવેલા સરકારી કર્મચારીઓ અને અરજદારોને અટકાવી મેમો આપવામાં આવ્યા હતા.
શહેર ટ્રાફીક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ચોય સેકટરમાં આવેલી સરકારી કચેરીઓમાં સવારથી જ ટ્રાફીક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમીશનર કચેરી, એસ.પી. કચેરી, મહાનગરપાલિકા કચેરી, જિલ્લા પંચાયત, બહુમાળી ભવન, આયકર વિભાગ, જુની કલેકટર કચેરી સહીતની કચેરીઓના દરવાજે ટ્રાફીક પોલીસના કર્મચારીઓ દ્વારા હેલ્મેટ ચેકિંગ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જેમાં સેકટર-1માં જુની મામલતદાર કચેરી પાસે ચેકીંગ કરી કુલ 193 કેસ કરી રૂા.94100નો દંડ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટના 84 કેસ કરી રૂા.42000નો દંડ કરાયો હતો. જયારે સેકટર-3માં મહાનગપાલિકા, મામલતદાર કચેરી, વેસ્ટઝોન કચેરી ખાતેથી કુલ 111 કેસ કરી રૂા.54200નો દંડ કરવામાં આવ્યો હતો. જયારે સેકટર-4માં પોલીસ કમિશનર કચેરી, એસ.પી. કચેરી, આયકર ભવન પાસે હેલ્મેટ ડ્રાઇવ યોજી કચેરીમાં હેલ્મેટ વગર પ્રવેશતા કર્મચારીઓ અને અરજદારોને અટકાવી કુલ 83 કેસ કરી રૂા.45400નો દંડ ફટકારાયો હતો. આરટીઓ કચેરી દ્વારા આરટીઓ અને જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટ ડ્રાઇવ યોજી 20 જેટલા કેસ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
રોકડ દંડ અને ઇ-ચલણ આપવામાં આવતા અનેક સ્થળે માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. સરકારી કર્મચારી અને અરજદારોમાં કચવાટ ફેલાયો હતો. જો કે હાઇકોર્ટની ટકોર બાદ સરકારના કડક વલણથી પોલીસ હવે હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવશે જેથી હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન કરશે તેમ જાણવા મળ્યું છે.
સચિવાલય અને હાઇકોર્ટમાં પણ હેલ્મેટ વગર નો એન્ટ્રી
ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજથી સરકારી કર્મચારીઓ સામે પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યાથી પોલીસ કાફલો ગાંધીનગર સચિવાલયના તમામ ગેઇટ તેમજ અમદાવાદ ખાતે હાઇકોર્ટ સહીતના બિલ્ડીંગોના દરવાજા પાસે ગોઠવાઇ ગયો હતો અને હેલ્મેટ પહેરી હોય તેવા જ ટુ વ્હીલર ચાલકોને સચિવાલય, હાઇકોર્ટ તેમજ અન્ય સરકારી કચેરીઓમાં એન્ટ્રી અપાઇ હતી. જયારે હેલ્મેટ વગરના કર્મચારીઓને દરવાજેથી જ પરત રવાના કરી દેવાયા હતા. ખાસ કરીને મોટા ભાગે મહીલા કર્મચારીઓ હેલ્મેટ વગર કચેરીએ પહોંચ્યા હોવાથી મહીલા કર્મચારીઓએ કચેરીના દરવાજેથી જ પરત ફરવું પડયું હતું. અમુક સ્થળે તો પોલીસ અને કર્મચારીઓ વચ્ચે જીભાજોડીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.