નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા

વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા…

વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા 13 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા, જે મેજર લીગ ક્રિકેટ (MLC 2026)માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ છે. ખઈં ન્યૂયોર્ક તરફથી રમતી વખતે વોશિંગ્ટન ફ્રીડમ સામેની એલિમિનેટર મેચમાં પૂરને પોતાનું તોફાની સ્વરૂૂપની ઝલક બતાવી હતી.

ફ્રેન્ચાઈઝી ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેલે 30 બોલમાં RCB માટે પુણે વોરિયર્સ સામે આઈપીએલ 2013માં ફટકારી હતી. જો આ મેચમાં નિકોલસ પૂરને ફક્ત એક બોલ પહેલા સદી બનાવી લીધી હોત તો ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી થઈ જાત. જોકે, પૂરન આ તક ચૂકી જતા ગેલનો રેકોર્ડ માંડ માંડ બચ્યો. જોકે, ઓવરઓલ ટી-20 ક્રિકેટના રેકોર્ડની વાત કરીએ તો એસ્ટોનિયાના સાહિલ ચૌહાણે સાયપ્રસ સામે વર્ષ 2024માં માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી.

પ્રથમ વિકેટ ઝડપથી પડ્યા પછી બીજી જ ઓવરમાં ક્રીઝ પર ઉતરેલા નિકોલસ પૂરને આવતાની સાથે જ બોલરોની ધોલાઈ શરૂૂ કરી હતી. પોતાની બીજી જ બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો અને પછી મેક્સવેલની તે જ ઓવરમાં સતત ત્રણ સિક્સ અને એક ચોગ્ગો માર્યો. પાંચમી ઓવરમાં સૌરભ નેત્રવલકરની છેલ્લી ત્રણ બોલ પર સતત ત્રણ છગ્ગા માર્યા પછી જ્યારે સાતમી ઓવરમાં પૂરન પાસે ફરીથી સ્ટ્રાઈક આવી ત્યારે તેણે આસિફ મોહમ્મદને પણ બે સિક્સ ઠોકી દીધી. આ રીતે તેણે સતત પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા.