રાષ્ટ્રીય
RTOમાં લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષામાં નવી છૂટછાટ જાહેર કરાઇ
ઓનલાઇન પરીક્ષામાં 15માંથી 11ને બદલે 9 જવાબ સાચા હશે તો પણ લાઈસન્સ મેળવી શકાશે
લર્નિંગ લાઈસન્સ માટે લેવામાં આવતી ઓનલાઈન પરીક્ષામાં 15માંથી 9 પ્રશ્નો સાચા હશે તો ઉમેદવાર પાસ ગણાશે. જોકે હમણા સુધી 15માંથી 11 પ્રશ્નો સાચા હોય તો જ ઉમેદવારને પાસ ગણાતા હતા. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષાના નિયમો થોડા હળવા કર્યા છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં હોવાના કારણે ઓછું ભણેલા લોકોને પરીક્ષામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે કમિશનર કચેરી ખાતે રજૂઆતો આવતી હોવાના કારણે નિયમોમાં છૂટછાટ કરવાની ફરજ પડી છે.
આરટીઓના અધિકારીએ જણાવ્યું કે આઈટીઆઈ દ્વારા લેવાતી લર્નિંગ લાઈસન્સની પરીક્ષા ઓનલાઈન મોડમાં જ લેવામાં આવે છે. તેના કારણે ઘણી વખત એવું બનતું હતું કે ઉમેદવારને વાહન ચલાવવામાં ફાવટ હતી પરંતુ માત્ર ઓનલાઈન પરીક્ષા હોવાના કારણે નાપાસ ગણાતો હતો. આ પરીક્ષાનો મુખ્ય હેતું છે કે વાહન ચાલકોને ડ્રાઈવિંગ વિશે બેઝિક જ્ઞાન હોય અને વાહન સરખી રીતે ચલાવતા આવડતું હોય તેવા ઉમેદવારોને લાઈસન્સ આપવામાં આવે. વિવિધ ઉમેદવારો તરફથી આવતી રજૂઆતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકની મુખ્ય દક્ષતા તો ડ્રાઈવિંગ ટેસ્ટ વખતે જાણી શકાય છે. આ નિર્ણયના કારણે ઓછા ભણેલા ઉમેદવારો અને અભણ ઉમેદવારોને લર્નિંગ લાઈસન્સ મેળવવામાં સરળતા રહેશે.