શહેરના મોરબી રોડ પર મહેશ્ર્વરી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી સ્કૂટરની ડેકી અને થેલામાં છૂપાવેલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ભાણેજ થેલામાં કપડા હોવાનુ કહી દારૂનો જથ્થો મામાના ઘરે છૂપાવી ગયો હોવાનુ ખુલ્વા પામ્યુ છે. આ અંગે પોલીસે ભાણેજ સામે ગુનો નોેંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી. ચુડાસમાની રાહબરીમાં એએસઆઇ વાય.ડી.ભગત, હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ, કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરા, દીપલબેન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મોરબી રોડ સેટેલાઈટ ચોક મહેશ્વરી સોસાયટી મેઇન રોડ પર આશાપુરા કૃપા નામના મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં તપાસ કરતા મકાનમાં બે થેલામાં તથા અહીં પડેલા જયુપીટર નં.જીજે-3 પીકે 0820 માં મળી કુલ દારૂૂના 96 ચપલા મળી આવ્યા હતા.
પોલીસે મકાનમાં હાજર મહિલાની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નયનાબેન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેનો ભાણેજ અંકિત વસંતભાઈ ભદ્રા (રહે. માર્કેટયાર્ડ પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર શેરી નંબર 15/18 નો ખૂણો) અહીં જ્યુપિટર તથા થેલો રાખી ગયો હતો અને થેલામાં કપડાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને સ્કુટર સહિત રૂ. 74,400 નો મુદ્દામાલ કબજે કરી આરોપી અંકિત ભદ્રાને ઝડપી લેવા તપાસ હાથ હાથ ધરી છે.
