આજીડેમ ચોકડી પાસે પગારના નાણા માંગતા નેપાળી યુવાનનું ઢીમ ઢાળી દીધું

શહેરની ભાગોળે આવેલા આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક વિસ્તારમાં પગારના બાકી નાણાં માંગવાના મુદ્દે એક નેપાળી આધેડ ઉપર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર…

શહેરની ભાગોળે આવેલા આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક વિસ્તારમાં પગારના બાકી નાણાં માંગવાના મુદ્દે એક નેપાળી આધેડ ઉપર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માન સરોવર પાર્કમાં રહેતા ગુમાનસિંગ ઇમાનસિંગ ઠાકુર (ઉ.વ.50) નામના નેપાળી આધેડ જ્યાં નોકરી કરતા હતા ત્યાં તેમનો એક મહિનાના રૂૂ. 18,000 ના હિસાબે ત્રણ મહિનાનો પગાર બાકી નીકળતો હતો. આ બાકી નીકળતી રકમ મેળવવા માટે જ્યારે તેમણે શેઠ પાસે માંગણી કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને શેઠના માણસ દીપક નેપાળી ઉર્ફે દીપક મહતરા અને અન્ય શખ્સો દ્વારા ગુમાનસિંગ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. આ તકે ઉશ્કેરાયેલા શખ્સોએ ધોકા વડે ઉક્ત આધેડ ઉપર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હુમલાની આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ગુમાનસિંગને સારવારાર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા માટે તજવીજ હાથ ધરી હતી. દરમિયાન સારવાર દરમિયાન ગુમાનસિંગનું દુ:ખદ અવસાન થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ બનાવમાં હવે હત્યાની કલમોનો ઉમેરો કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

આ નિર્મમ હત્યાકાંડના વિરોધમાં અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે નેપાળી સમાજના પ્રમુખ સંજયરાજ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા પણ સક્રિય રીતે રજૂઆતો અને તજવીજ શરૂૂ કરવામાં આવી છે. આજીડેમ પોલીસે આ સમગ્ર પ્રકરણે કરણ, દીપક અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓને કાયદાના સળિયા પાછળ ધકેલવા માટે સઘન ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ ચલાવી રહી છે.