રૈયાધારે સોપાન હાઇટસમાં બનાવ, બન્ને બાળકોને નેપાળ દાદા-દાદી પાસે મોકલવાના હતા ટિકિટ પણ બૂક થઇ ગઇ હતી
રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબતી 5 વર્ષીય બહેનને બચાવવા 7 વર્ષીય ભાઈ સ્વિમિંગ પુલમાં કૂદી પડ્યો હતો અને તેમાં બંનેના કરુણ મોત નીપજ્યા હતા. માસુમ બાળકોના મોતના કંપારી ચડાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેનાથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે સિવિલ હોસ્પિટલે નેપાળી સમાજના લોકો એકત્ર થયાં હતા. ગમગીની છવાઈ ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,રૈયાધાર આવેલી સોપાન હાઈટ્સમાં રહેતા દિપેશ કરણભાઈ ભંડારી (ઉ.7) અને તેની બહેન દેવીસીકા કરણભાઈ ભંડારી (ઉ.5) ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ સોપાન હાઈટ્સના પટાંગણમાં રમતા હતા. તેમના માતા પિતા બિલ્ડીંગની સફાઈના કામમાં રોકાયેલા હતા. રમતા રમતા બંને ભાઈ – બહેન ત્યાં આવેલા સ્વિમિંગ પુલ સુધી પહોંચી ગયા હતા.જ્યાં અચાનક બહેન દેવીસીકા સ્વિમિંગ પુલમાં પડી ગઈ હતી. જે જોઈ ભાઈ દિપેશએ તુરંત જ બહેનને બચાવવા પાછળ કૂદકો માર્યો હતો. જોત જોતામાં બંને ડૂબી ગયા હતા.
ઘટના આખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બંને સ્વિમિંગ પુલમાં તરતા જોવા મળતા બિલ્ડીંગના રહેવાસી દોડી ગયા હતા.બાળકોના માતા પિતાને જાણ થતા કલ્પાંત કરતા દોડી આવ્યા હતા. બાળકોને 108 મારફતે ઝનાના હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડો.કે.એ.ચૌહાણે બંને બાળકોને મૃત જાહેર કર્યાં હતા અને પોલીસને જાણ કરી હતી. યુનિવર્સીટી પોલીસના એ.એસ.આઇ. જયસિંહ ઝાલા સહિતના દોડી ગયા હતા.મૃતદેહો પીએમ માટે ખસેડાયા હતા.
પરિવારની પુછપરછમાં જાણવા મળેલ કે, નેપાળી પરિવાર 14 દિવસ પહેલા જ અહીંયા સફાઈ કામ માટે રહેવા આવ્યો હતો. બનાવની જાણ થતા જ નેપાળી સમાજ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ સંજયરાજ કારકી અને અન્ય આગેવાનો અને સમાજના લોકો દોડી ગયા હતા.પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ,દિપેશ (ઉંમર વર્ષ 7) અને દેવીસીકા (ઉંમર વર્ષ 5) બંનેને નેપાળ પોતાના દાદા દાદી પાસે મોકલવાના હતા. આજે એટલે કે મંગળવારે બંને બાળકો તેમના સગા સંબંધી સાથે પરત નેપાળ જવા રાજકોટથી રવાના થવાના હતા.અન્ય સગા સંબંધી સાથે બંને બાળકોની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી.જોકે તે પહેલા સોમવારે સાંજે આ ઘટના બની ગઈ હતી. બંને સંતાનોના મોતની ખબર જ્યારે માતાને પડી ત્યારે તેણે ભારે આક્રંદ મચાવ્યો હતો.

