પાડોશીએ ત્રાસ આપી પુત્રની રિક્ષાના કાચ ફોડી નાખતા વૃદ્ધાએ ફિનાઇલ પી લીધું

શહેરના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 60 વર્ષીય પ્રભાબેન બળવંતરાય વ્યાસે ગઈકાલે બપોરના આશરે પાંચ વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા…

શહેરના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 60 વર્ષીય પ્રભાબેન બળવંતરાય વ્યાસે ગઈકાલે બપોરના આશરે પાંચ વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. વૃદ્ધાની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ પાડોશમાં રહેતા શખ્સ દ્વારા આપવામાં આવતો સતત ત્રાસ જવાબદાર હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પ્રભાબેને પાડોશીના ડર અને હેરાનગતિથી કંટાળીને આ આઘાતજનક પગલું ભર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, પ્રભાબેનના પુત્ર નરેન્દ્રની પત્ની નિશા હાલ વેકેશન હોવાથી પોતાના પુત્રને લઈને કર્ણાટક ખાતે તેના માવતરે ગઈ છે. બે દિવસ પહેલા જ્યારે નરેન્દ્ર તેની પત્ની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે પાડોશી છગને ’ધીમેથી વાત કર’ તેમ કહીને તકરાર શરૂૂ કરી હતી. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને છગને નરેન્દ્ર તેમજ તેના માતા પ્રભાબેન સાથે ઝઘડો કરીને મારપીટ કરી હતી. આટલું જ નહીં, છગને સામે ચાલીને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે નરેન્દ્રની અટકાયત કરી તેને લોકઅપમાં પૂરી દીધો હતો. ત્યારબાદ નરેન્દ્ર છૂટીને ઘરે આવ્યો ત્યારે ફરી છગને તેની રિક્ષાના કાચ ફોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું, જે અંગે નરેન્દ્રએ પણ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી.

પાડોશી છગન દ્વારા કરવામાં આવતી સતત હેરાનગતિ, પોલીસ કેસ અને આર્થિક નુકસાનના કારણે પ્રભાબેન અત્યંત મુંઝવણમાં અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. અંતે છગનના ત્રાસથી છૂટકારો મેળવવા માટે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પ્રભાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. બીજી તરફ, તાલુકા પોલીસ દ્વારા પ્રભાબેનના નિવેદન અને આક્ષેપોના આધારે પાડોશી છગન વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂૂ કરવામાં આવી છે.