Site icon Gujarat Mirror

જેતપુર હાઈવે ઉપર થાર ચાલકનો ટ્રાફિક પોલીસને કચડી નાખવાનો પ્રયાસ

વાહન ચેકીંગ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે અવારનવાર રકજક અને ઝપાઝપી થયાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે વધુ એક બનાવમાં જેતપુર નજીક જૂનાગઢ હાઈ વે પર જેતપુર પોલીસ મથકની ટીમ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે થાર કાર સવાર યુગલે કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી ગાળો ભાંડી હતી. આ અંગે કાર સવાર યુગલ વિરૂધ્ધ ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો છે.

આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ ગ્રામ્ય ટ્રાફીક શાખામાં ફરજ બજાવતાં મહેશભાઈ રતિલાલભાઈ સોંઢાતર સહિતના પોલીસકર્મીઓ ગઈકાલે જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર ચોકીધાર ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગની કામગીરી કરતાં હતાં તે દરમિયાન રાજકોટ રહેતાં અંકીત જેન્તીભાઈ પરમાર અને નયનાબેન જીજે.1 ડબલ્યુ.સી.0301 નંબરની થાર કારમાં ધસી આવ્યા હતાં. ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ સોંઢાતરે થાર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર રોકવાના બદલે પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ સોંઢાતરને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યોહતો. પરંતુ મહેશભાઈ સોંઢાતર હટી જતાં માત્ર પગ અને ગોઠણના ભાગે ઈજા પહોંચી હતી.

કાર સવાર યુગલે મહેશભાઈ સોંઢાતર સહિતના પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ સોંઢાતરે કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ગાળો ભાંડનાર કાર સવાર યુગલ વિરૂધ્ધ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદના આધારે જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.એમ.હેરમા સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version