જામનગરમાં 14 વર્ષિય સગીરાને પાડોશીએ ગર્ભવતી બનાવી

‘કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આરોપીએ આપી; પોકસો અને દુષ્કર્મનો ગુનો: બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તબીબી રિપોર્ટમાં…

‘કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આરોપીએ આપી; પોકસો અને દુષ્કર્મનો ગુનો: બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં તબીબી રિપોર્ટમાં બહાર આવી ચોંકાવનારી હકીકત : હાલ સગીરા હોસ્પિટલમાં સારવાર હેઠળ

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પાપ આખરે છાપરે ચડીને પોકારે તેમ માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી બની જતાં મામલો સામે આવ્યા બાદ પોલીસ મથકે પહોંચ્યો હતો, અને આરોપી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને પ્રેમ સંબંધની વાતોમાં ફસાવી તેના વિશ્વાસનો લાભ લીધો હતો. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ બાદ આરોપીએ સગીરાને કોઈને પણ વાત ન કરવાની અને મૌન રહેવાની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાના નિવેદન અને અન્ય વિગતોના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ચર્ચાજનક બનાવવાની વિગત એવી છે કે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી 14 વર્ષીય એક સગીરા, કે તેના પાડોશમાં જ રહેતો શબ્બીર અબ્બાસ મહુર નામનો 23 વર્ષનો વાઘેર શખ્સ, કે જે સગીરાના સંપર્કમાં આવ્યા બાદ સૌપ્રથમ વાતચીતનો વ્યવહાર રાખ્યા બાદ તેણીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી, અને તેણીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આરોપીએ સગીરાને ધાક ધમકી આપી અને આ વાતની કોઈને જાણ કરશે, તો પતાવી નાખવાની અથવા તો પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપી હોવાથી તેણી મૌન રહી હતી.

પરંતુ બે દિવસ પહેલારાત્રિના સમયે સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેણીએ માતાને ફરિયાદ કરી હતી, જેથી સગીરાને તેની માતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જયાં તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવતાં માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી બની ગઈ હોવાનું જાહેર કરાયું હતું, અને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી સગીરાની માતાને જાણ કરતાં તેણી અવાચક બની ગઈ હતી, અને આ બનાવ મામલે સગીરાની જીણવટભરી પૂછપરછ કરતાં તેને આખરે પાડોશી શબ્બીર અબ્બાસ નામના શખ્સ કે જેને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલી લીધું હતું.

આથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જ્યાં સગીરાની માતાની ફરિયાદ ના આધારે સીટી એ. ડિવિઝનના પી.આઈ. વી.એમ.ડોડીયા અને તેમના પોલીસ સ્ટાફે આરોપી શબ્બીર અબ્બાસ વાઘેર સામે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપીને ઝડપી લીધો છે. જેને પોલીસ કસ્ટડીમાં મૂકી દીધો છે. જ્યારે હાલ સગીરાની તબીબી ચકાસણી અને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે.