નેહલ મેયર, ડે.મેયર દક્ષાબેન, સ્ટેન્ડિંગમાં ટીકુભા ? : કાલે નામો થશે નક્કી

શાસકપક્ષ નેતા પદે કાળુભાઈ કુગસિયા અને દંડક પદે મિતલબેન લાઠીયાના નામ પર સર્વસંમતિ સધાયાના સંકેત આ અઠવાડિયામાં જ મહાનગરપાલિકાના નવા સુકાનીઓ મળી જશે, 24મી આસપાસ…

શાસકપક્ષ નેતા પદે કાળુભાઈ કુગસિયા અને દંડક પદે મિતલબેન લાઠીયાના નામ પર સર્વસંમતિ સધાયાના સંકેત

આ અઠવાડિયામાં જ મહાનગરપાલિકાના નવા સુકાનીઓ મળી જશે, 24મી આસપાસ બોર્ડ બેઠક યોજવાની શક્યતા

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને પ્રદેશ ભાજપ દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના નવા સુકાનીઓ ત્યારબાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવા હોદ્દેદારોના નામો નક્કી કરવા માટેની બેઠકો પણ મળી હતી જે મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ નક્કી કરવામાં હજુ પણ સર્વ સંમતિ થઈ નથી અને દિવસો પણ પસાર થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શહેર ભાજપ પ્રમુખને પણ ફરી ગાંધીનગરનું તેડું આવ્યું હોય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને આવતીકાલ સવારે 11:00 વાગ્યા સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામો ફાઇનલ થઈ જાય તેવી પણ અટકળો તેજ બની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના મેયર પદ માટે નેહલ શુકલ, ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ટીકુભા જાડેજાનું નામ સૌથી આગળ હોવાનું માલુમ પડ્યું છે તો શાસક પક્ષના નેતા તરીકે કાળુ કુગસિયા અને દંડક પદે મિતલબેન લાઠીયા ના નામ ઉપર સર્વ સંમતિ સધાયાના સંકેતો મળી રહ્યા છે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર ભાજપ હર હંમેશ સરપ્રાઈઝ આપવામાં માહેર છે. ત્યારે આ વખતે પણ શું એ જ સ્થિતિ નુ નિર્માણ થશે કે કેમ તે અંગે હાલ અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં જ મહાનગરપાલિકાને નવા સુકાનીઓ મળી જશે. ત્યારે 24 મી આસપાસ બોર્ડ બેઠક યોજવાની પણ શક્યતા જોવા મળી રહી છે.

રાજકીય વર્તુળોમાં હાલજે ચર્ચાએ જોર પકડ્યું છે તેમાં એ વાત સામે આવી છે કે, મેયર પદ માટે નેહુલ શુકલને પસંદ કરવામાં આવશે. અગાઉ કડવા પટેલ ઉમેદવારને મેયરપદ સોંપવાની જે વાત ચાલતી હતી તે વાત ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણવિરામ લાગી ગયો છે કારણ કે હાલના પ્રવર્તમાન સાંસદ પણ કડવા પટેલ છે અગાઉના ચેરમેન પણ કડવા પટેલ હતા ત્યારે મેયરપદ કડવા પટેલને આપવામાં ન આવે તેવી શક્યતાઓ પ્રવર્તી છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રઘુવંશી સમાજની લાગણી ઘણાખરા અંશે દુભાઈ હતી. ત્યારે ડેપ્યુટી મેયરપદ રઘુવંશી મહિલા ઉમેદવાર દક્ષાબેન વસાણીને આવે તે માટે હાલ સમાજ દ્વારા લોબિંગ પણ શરૂૂ કરી દેવાયું છે. સ્ટેન્ડિંગ ચેરમેનનો હોદ્દો અત્યંત મહત્વનો માનવામાં આવે છે ત્યારે આ પદ માટે ટીકુભા એટલે કે નરેન્દ્રસિંહ જાડેજાને સોંપવામાં આવે તેવી અટકળો તેજ બની છે. તો સામે શાસક પક્ષના નેતાની જવાબદારી કાળુભાઈ કુગસિયાને સોંપાઈ તેવી રચાય જોડ પકડ્યું છે અને અંતમાં દંડક તરીકે મિતલબેન લાઠીયાની પણ પસંદગી કરવામાં આવે તો નવાઈ નહીં.

હાલ મહાનગરપાલિકા નું ખાસ જનરલ બોર્ડ 24 મી તારીખ આસપાસ યોજાશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે એજન્ડા કાઢવા માટે ત્રણ દિવસનો સમય અચૂક આપવો પડે જેથી આવતીકાલે સવાર સુધીમાં જો નામ ફાઇનલ થઈ જાય તો પછીના ત્રણ દિવસ એજન્ડા માટે આપવા પડે એટલે કે 24 તારીખ આસપાસ ખાસ જનરલ બોર્ડ મળે અને નવા હોદ્દેદારોના નામોની જાહેરાત થાય તેવી હાલ સંભાવના વ્યક્ત કરાય છે.