જાગનાથ પ્લોટ પાસે 8 શખ્સોએ યુવકને માર મારી લોહીલુહાણ કર્યો

છોકરા બાબતના ડખ્ખામાં સરાજાહેર ધોકાવાળી, યુવકને સિવિલમાં ખસેડાયો: વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો વચ્ચે ગુનાખોરીની ગ્રાફ સતત ઉપર જઈ…

છોકરા બાબતના ડખ્ખામાં સરાજાહેર ધોકાવાળી, યુવકને સિવિલમાં ખસેડાયો: વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો વચ્ચે ગુનાખોરીની ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. રંગીલા રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ આલાભાઇના ભઠ્ઠા પાસે એક ઘટના સામે આવી છે. અહીં આવેલા ગેરેજના સંચાલકો સહિત આશરે આઠ જેટલા શખ્સો દ્વારા એક નિર્દોષ નેપાળી યુવાન પર તૂટી પડીને તેને બેરહેમીપૂર્વક ઢોરમાર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકને એટલી હદે ફટકાર્યો હતો કે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આ ગંભીર ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ સમગ્ર હિંસક માથાકૂટ પાછળ છોકરા બાબતનો સામાન્ય ઝઘડો જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. બાળકો વચ્ચે થયેલી કોઈ વાતનું મનદુ:ખ રાખીને ગેરેજ સંચાલકો અને તેના સાગરીતોએ કાયદો હાથમાં લીધો હતો અને નેપાળી યુવાન પર હુમલો કરી દીધો હતો.આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જેને પગલે સ્થાનિક પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને વાયરલ વીડિયોના આધારે નરાધમોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. દિવાળી જેવા પવિત્ર અને આનંદના તહેવારમાં જ આવી હિંસક મારામારીની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષની લાગણી ફેલાઈ છે.

રાજકોટ શહેરમાં અવારનવાર બનતી આવી માથાકૂટ અને હુમલાની ઘટનાઓને કારણે હવે પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજકોટની વ્યસ્ત ગણાતી સોની બજારમાં ધોળા દિવસે 4 લાખ રૂૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટને બે દિવસ વીતી જવા છતાં સ્થાનિક પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં હજુ સુધી કોઈ મજબૂત કડી કે લૂંટારુઓનો સુરાગ મળ્યો નથી. એક તરફ લૂંટના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યાં બીજી તરફ તહેવારોના દિવસોમાં જ જાહેરમાં આવી ગુંડાગર્દી થતા રાજકોટવાસીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે અને પોલીસ પેટ્રોલીંગ સામે આંગળી ચીંધી રહ્યા છે.

અકસ્માત બાદ કાર અને એક્ટિવા ચાલક વચ્ચે જાહેરમાં મારામારી

રાજકોટના સત્યસાઈ રોડ પર આવેલા મારુતિ ચોકમાં જાહેરમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર અને એક્ટિવા વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો, જેના કારણે બંને વાહનોના ચાલકો વચ્ચે ઉગ્ર માથાકૂટ શરૂૂ થઈ ગઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને બંને ચાલકોએ જાહેરમાં જ એકબીજાના કોલર (કાટલા) પકડીને બેફામ માર મારવાનું શરૂૂ કરી દીધું હતું. ભરચક રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ત્યાં હાજર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળાએ વચ્ચે પડીને માંડ-માંડ મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર મારામારીનો લાઈવ વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો પોલીસના ધ્યાને આવતા જ રાજકોટ તાલુકા પોલીસે ઘટનાની ગંભીરતા નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂૂ કરી છે.