પીલીભીતમાં 13000 મતદારોના નામ ફેરવી નાખ્યા : બે SDM સહિત 3 સામે FIR

યુ.પી.ના મુખ્ય ચૂંટણી કમિશનરે ઇરાદાપૂર્વક કરવામાં આવેલો ગુનો ગણાવ્યો ઉત્તર પ્રદેશની 127-પીલીભીત વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ અને ચેડાં થવાનો સનસનાટીભર્યો મામલો સામે…

યુ.પી.ના મુખ્ય ચૂંટણી કમિશનરે ઇરાદાપૂર્વક કરવામાં આવેલો ગુનો ગણાવ્યો

ઉત્તર પ્રદેશની 127-પીલીભીત વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ અને ચેડાં થવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આશરે 13,150 મતદાતાઓની અંગત વિગતોમાં બિનસત્તાવાર રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) નવદીપ રિનવાએ આ ગંભીર ઘટના અંગે સ્પષ્ટ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ કોઈ સામાન્ય ભૂલ કે બેદરકારીનો મામલો નથી, પરંતુ એક ’ઇરાદાપૂર્વક કરવામાં આવેલો ગુનો’ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

આ ગંભીર ગેરરીતિ મામલે બે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને મતદાર નોંધણી કેન્દ્રના એક આઉટસોર્સ્ડ ઓપરેટર સામે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસડીએમ મયંક ગોસ્વામી અને હેમંત ચૌધરી, તેમજ ઓપરેટર અનિલ કુમાર પર મતદાર યાદીમાં છેડછાડ કરવાનો આરોપ છે. પીલીભીતના નવા નિયુક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ (ઉખ) આલોક કુમારે રાજ્ય ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ આ કડક કાર્યવાહી હાથ ધરી છે. તપાસને પ્રભાવિત ન કરી શકે તે હેતુથી બંને એસડીએમને પીલીભીતથી હટાવીને જિલ્લા મુખ્યાલય સાથે જોડી દેવામાં આવ્યા છે, જ્યારે ઓપરેટર અનિલ કુમારની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે. એડિશનલ ડીએમ પ્રસુન દ્વિવેદીએ જણાવ્યું હતું કે બંને અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂૂ કરવા યુપીના મુખ્ય સચિવને ભલામણ પણ મોકલવામાં આવી છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી કૃષ્ણ કશ્યપ દ્વારા મતદાર યાદીમાં જોવા મળેલી વિસંગતતાઓ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી. પોર્ટલ પર નોંધાયેલા EPIC (ચૂંટણી કાર્ડ) નંબરો અને મતદાતાઓના નામો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આ ફરિયાદના આધારે હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ગંભીર ત્રુટિઓ અને ચેડાં થયા હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ, ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 201 અને લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 32 હેઠળ ગુરુવારે ઔપચારિક FIR નોંધવામાં આવી છે. રાજ્યનો નિમણૂક અને કર્મચારી વિભાગ આ મામલે આગળના નિર્દેશો જારી કરશે.