ગવરીદળની સીમમાંથી ભેદી માનવ કંકાલ મળી આવતા ચકચાર

રાજકોટના ગવરીદળ ગામની સીમમાંથી એક રહસ્યમય કંકાલ અને અસ્થીઓ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે,ગવરીદળ ગામની સીમમાં…

રાજકોટના ગવરીદળ ગામની સીમમાંથી એક રહસ્યમય કંકાલ અને અસ્થીઓ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે,ગવરીદળ ગામની સીમમાં એક ખેતર પાસે માનવીના હોય તેવા અસ્થીઓ વેરવિખેર હાલતમાં પડેલા હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું. આ અંગે તાત્કાલિક ગામના સરપંચ મનિષભાઈ અજાણીને જાણ કરવામાં આવતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસને વાકેફ કર્યા હતા. બનાવની ગંભીરતાને જોઈ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી. આર. વસાવા તથા પીએસઆઈ આર. કે. સામુદ્રે સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી અલગ-અલગ ટુકડાઓના સ્વરૂૂપમાં રહેલા અસ્થી-કંકાલને કબ્જે લીધા હતા.

પોલીસ દ્વારા કબ્જે કરાયેલા આ ભેદી અસ્થીઓને તાત્કાલિક રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક નિષ્ણાંતો સમક્ષ મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અસ્થીઓ માનવ કંકાલના હોવાનું પ્રતીત થાય છે, પરંતુ તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે ફોરેન્સિક લેબોરેટરીની મદદ લેવામાં આવી છે. આ વૈજ્ઞાનિક તપાસ દ્વારા અસ્થીઓ માનવના છે કે પશુના, તેના પર કોઈ ઈજા કે તીક્ષ્ણ હથિયારના નિશાન છે કે કેમ, અને જો તે માનવ કંકાલ હોય તો તે સ્ત્રીનું છે કે પુરૂૂષનું, તે સહિતની તમામ સચોટ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક નિષ્ણાંતોનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આ ભેદી અસ્થીઓ મળવાને કારણે ગવરીદળ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ચર્ચાઓ જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુવાડવા પોલીસ મથકની હદમાં આ પ્રકારની આ બીજી ઘટના સામે આવી છે, જેને કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ પૂર્વે બરાબર ત્રણ મહિના પહેલા, એટલે કે ગત 20મી ફેબ્રુઆરીના રોજ માલિયાસણ ગામ પાસે આવેલા આઇઓસી ગેસ પ્લાન્ટની પાછળના મેદાનમાંથી પણ એક રહસ્યમય માનવ કંકાલ મળી આવ્યું હતું. તે સમયે તત્કાલીન પીઆઈ બી. પી. રઝીયા, ક્રાઈમ બ્રાંચ અને એફએસએલની ઉચ્ચ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. એફએસએલની પ્રાથમિક તપાસમાં તે કંકાલ કોઈ પુરૂૂષનું હોવાનું ખૂલ્યું હતું અને પોલીસે એ.ડી. (અકસ્માત મોત) નોંધી તપાસ કરી હતી, પરંતુ તે કેસમાં કોઈ નક્કર કડી કે ફળદાયી હકિકત હાથ લાગી નહોતી. હવે ફરી એકવાર ગવરીદળની સીમમાંથી નવું કંકાલ મળતાં પોલીસે આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે.