તારા હિસાબે મારું ઘર ભાંગે છે, પ્રેમસંબંધમાં તકરાર થતા યુવતી પર પ્રેમીનો હોકીથી હુમલો

યુવતિ લોહીલૂહાણ; થોરાળા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો દાખલ શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં પ્રેમસંબંધ મામલે થયેલી બોલાચાલી બાદ એક 24 વર્ષીય યુવતી પર તેના…

યુવતિ લોહીલૂહાણ; થોરાળા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો દાખલ

શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં પ્રેમસંબંધ મામલે થયેલી બોલાચાલી બાદ એક 24 વર્ષીય યુવતી પર તેના પ્રેમી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતા યુવતીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીગ્રામના અંજલી પાર્કમાં રહેતી રૂૂબીનાબેન આમદભાઈ મિયાણા (ઉં.વ. 24) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીને છેલ્લા દોઢ વર્ષથી ભાવનગર રોડ પર રહેતા સેજાદ જુણેજા સાથે પ્રેમસંબંધ હતો. ગત તા. 08/11/2026 ના રોજ રાત્રે બંને ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે સેજાદની પત્નીએ ફોન લઈ લેતા રૂૂબીનાબેન સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તા. 09/11/2026 ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં રૂૂબીનાબેન થોરાળા પોલીસ સ્ટેશન નજીક આવેલા એસ.કે. ડેલા પાસે સેજાદને મળવા ગયા હતા.

ઘટનાસ્થળે સેજાદે રૂૂબીનાબેનને પોતાના ઘરે આવવાનું કહેતા તેણીએ ના પાડી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા સેજાદે ફોન કરીને એક અજાણ્યા પુરુષ અને બે અજાણી સ્ત્રીઓને ત્યાં બોલાવ્યા હતા. સેજાદે ‘તારા હિસાબે મારું ઘર ભાંગે છે’ તેમ કહી લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો. જ્યારે સાથે આવેલા અજાણ્યા પુરુષે રૂૂબીનાબેનના માથામાં હોકી ફટકારી હતી અને બંને મહિલાઓએ ગાળો આપી હતી. લોહીલુહાણ હાલતમાં યુવતીને જોઈ આસપાસના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુવતીના સંબંધી મુમતાજબેન અને રાકેશભાઈએ તેણીને

કારમાં બેસાડી રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી, જ્યાં તેણીને માથામાં ટાંકા આવ્યા છે. બનાવ અંગે થોરાળા પોલીસે સેજાદ જુણેજા તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ કોઠીવાળે વધુ તપાસ હાથ ધરી છે.