20મીએ જનરલ બોર્ડ; ભાજપ-કોંગ્રેસ લાઈટ બિલ પાછળ પડ્યા

રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડ મિટિંગ તા. 20 નવેમ્બરના રોજ સવારે 11 કલાકે મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહી છે, જેનો સત્તાવાર એજન્ડા…

રાજકોટ મહાનગરપાલિકાની આગામી જનરલ બોર્ડ મિટિંગ તા. 20 નવેમ્બરના રોજ સવારે 11 કલાકે મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહી છે, જેનો સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે. આ એજન્ડામાં કુલ પાંચ દરખાસ્તોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, પ્રશ્નકાળ માટે 72માંથી માત્ર 9 કોર્પોરેટરોએ જ રસ દાખવીને કુલ 22 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં શાસક પક્ષ ભાજપના 5 કોર્પોરેટરોના 11 પ્રશ્નો અને વિરોધ પક્ષ કોંગ્રેસના 4 કોર્પોરેટરોના 11 પ્રશ્નો ઇનવર્ડ થયા છે.

હાલ રાજ્યમાં વીજ કટોકટી જેવી સ્થિતિ અને સરકારની વીજ બચતની અપીલ વચ્ચે પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે જ મહાપાલિકાના વીજખર્ચનો મુદ્દો ઇનવર્ડ થયો હોવાથી તેના પર લંબાણપૂર્વક ચર્ચા થવાની શક્યતા છે. વોર્ડ નં. 5ના ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાએ પ્રથમ ક્રમના પ્રશ્નમાં મનપાની મુખ્ય કચેરી અને બે ઝોન સહિતની કુલ બિલ્ડીંગો, તેના વીજળી બિલ તેમજ કેટલી બિલ્ડીંગો પર સોલાર પેનલ લાગેલી છે અને સરકારની યોજના મુજબ મનપાનું શું આયોજન છે તે અંગે વિગતો માંગી છે.

બીજી તરફ, વોર્ડ નં. 16ના કોંગ્રેસી કોર્પોરેટર અને વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકીએ પણ મનપાના કુલ વાર્ષિક વીજબીલનો હિસાબ માંગ્યો છે. તેમણે મુખ્ય કચેરી, ઝોનલ અને વોર્ડ કચેરીઓ તથા પાર્ક વગેરેના વીજખર્ચ ઉપરાંત અલગ-અલગ ચેમ્બરમાં કેટલા એ.સી. (અઈ) ફીટ કરાયા છે, તેનું ચોખ્ખું વાર્ષિક બિલ કેટલું આવે છે અને સરકારના પરિપત્ર મુજબ કોને એ.સી. મળવાપાત્ર છે તે સહિતના વેધક સવાલો પૂછતા બોર્ડમાં ગરમાવો આવવાના એંધાણ છે.

આગામી બોર્ડ મિટિંગમાં જે પાંચ મહત્વપૂર્ણ દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવનાર છે, તેમાં વર્ષ 1983માં મચ્છર તથા અન્ય જીવાતોના ઉપદ્રવને નિયંત્રિત કરવા બનાવાયેલા અને 1985માં મંજૂર થયેલા બાયલોઝમાં જરૂૂરી સુધારા કરવાની દરખાસ્ત સામેલ છે. આ ઉપરાંત, જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન-રાજકોટને તેની દૈનિક પ્રવૃત્તિ માટે ગુરુ ગોવિંદસિંઘ કોમ્યુનિટી હોલ ટોકન દરે ફાળવવા, મનપાના કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટના ઉપયોગ માટેના નિયમો નિયત કરવા, અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં મનપાના પ્રતિનિધિની નિમણૂક કરવા તેમજ અધ્યક્ષ સ્થાનેથી અરજન્ટ બિઝનેસ તરીકે રજૂ થનારી બાબતો અંગે નિર્ણય લેવામાં આવશે.