કોટેચા ચોકમાં મધરાત્રે બે કોલેજીયન મિત્રો ઉપર ખૂની હુમલો

બાઈક ઓવર ટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા શખ્સને મુકવા જતી વખતે ત્રિપુટી છરી વડે તુટી પડી; બેની ધરપકડ રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત…

બાઈક ઓવર ટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા શખ્સને મુકવા જતી વખતે ત્રિપુટી છરી વડે તુટી પડી; બેની ધરપકડ

રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હરીઓમ સોસાયટીમાં રહેતાં કોલેજીયન યુવકને બાઈક ઓવરટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાનમાં વચ્ચે પડેલા યુવકને મુકવા જતી વખતે કોટેચા ચોક પાસે ત્રણ શખ્સોએ બે મિત્રો ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ઢેબર રોડ પર હરીઓમ સોસાયટીમાં રહેતાં અમરદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.23) અને તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમા (ઉ.22) રાત્રીનાં સાડા બારેક વાગ્યાના અરસામાં કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક પાસે હતા ત્યારે બાદલ સોલંકી અને કેતન દવેરા સહિત ત્રણ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતાં. હુમલાખોર ત્રણેય શખ્સો ઘટનાને અંજામ આપી નાસી છુટયા હતાં. ઘટનાને પગલે રાહદારી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને બન્ને યુવકોને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં બન્ને યુવકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં અમરદીપસિંહ જાડેજા મુળ લોધિકાના પીપળીયા ગામના વતની છે અમરદીપસિંહ જાડેજાના પિતા ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ છે. અમરદીપસિંહ જાડેજા હાલ હરિઓમ સોસાયટીમાં રહી એચ.એન.શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

અમરદીપસિંહ જાડેજા પોતાનું બાઈક લઈ એસ્ટ્રોન ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્કુટર સ્વાર બે શખ્સોએ ઓવરટેક કરવા મુદ્દે ઝઘડો કરી અમરદીપસિંહને ફડાકા મારી દીધા હતાં. બાદમાં એક શખ્સ સ્કુટર લઈ નાસી છુટયો હતો. જ્યારે ઉભા રહેલા બાદલ સોલંકીએ સમાધાન કરાવી દેવાનું કહ્યું હતું. જેથી અમરદીપસિંહ જાડેજાએ તેના મિત્ર રામદેવસિંહ ચુડાસમાને બાદલ સોલંકીને ક્રિસ્ટલ મોલ મુકવા જવાનું કહ્યું હતું. જે દરમિયાન કોટેચા ચોકમાં બાદલ સ્કુટરમાંથી ઉતરી ગયો હતો અને રામદેવસિંહ ચુડાસમાને ગાળો ભાંડી હતી. જે અંગે રામદેવસિંહએ અમરદીપસિંહને જાણ કરતાં અમરદીપસિંહ ત્યાં પહોંચ્યો હતો તે દરમિયાન ત્રણેય શખ્સોએ ‘આજે તમને જીવતા નથી જવા દેવા’ તેમ કહી છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હુમલાખોર બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.