માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાનો એસીડ પી આપઘાત

શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાએ એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…

શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા ધો.8ની છાત્રાએ એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જયારે બીજા બનાવમાં પડધરીના ખોખરી ગામે સ્કૂલ જવા બાબતે પિતાએ ઠપકો આપતા તરૂણ પુત્રએ માકડ મારવાની દવા પી લીધી હતી.

જાણવા મળતી વિગત મુજબ શિવનગરમાં રહેતી કોમલ વિરમભાઇ ગમારા (ઉ.વ.15) નામની સગીરાએ 12 દિવસ પહેલા એસીડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનુ સારવાર દરમિયાન ગઇકાલે હોસ્પિટલના બિછાને મોત નીપજ્યુ હતું. આ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક કોમલ એક ભાઇની એકની એક નાની બહેન હતી. તે ધો.8માં અભ્યાસ કરતી હતી. ગત તા.9ના રોજ તે શાળા જવા નીકળી ત્યારે માતા-પિતાએ ઘર કામ બાબતે ઠપકો આપતા માઠુ લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં પડધરી તાલુકાના ખોખરી ગામે રહેતા ધ્રુવરાજસિંહ ઉગાભાઇ જાડેજા (ઉ.વ.14)નામના તરૂણે આજે સવારે પોતાના ઘરે માકડ મારવાની દવા પી લેતા તેને સારવાર માટે અત્રેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ધ્રુવરાજ બે ભાઇમાં નાનો અને ધો.9માં અભ્યાસ કરે છે. તેને સ્કૂલે જવુ ન હોય જે બાબતે પિતાએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લીધુ હતું.