જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ-3ની જાહેરાત

મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જમીન, હિત અને અધિકારોની રક્ષા માટે શરૂૂ કરવામાં આવેલું ઐતિહાસિક આમરણાંત ઉપવાસ આંદોલન અંતે પૂર્ણ થવા…

મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જમીન, હિત અને અધિકારોની રક્ષા માટે શરૂૂ કરવામાં આવેલું ઐતિહાસિક આમરણાંત ઉપવાસ આંદોલન અંતે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ગત તારીખ 18 જૂનથી સતત ચાલી રહેલા આ આંદોલનના 19માં દિવસે એટલે કે આજે સોમવારે ઉપવાસીઓ દ્વારા સત્તાવાર રીતે પારણા કરવામાં આવશે. મોડી રાત્રે આંદોલન છાવણી પર ઉપવાસ પર બેઠેલા નેહુલભાઈ અમૃતિયાની તબિયત અચાનક લથડ્યા બાદ ખેડૂત સમિતિ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂત આગેવાનોએ જેતપર ખાતે આંદોલન સમેટવાની સાથે જ રાજ્યવ્યાપી લડત માટે ’આંદોલન પાર્ટ-3’ નું રણશિંગું ફૂંકવાનું મોટું એલાન કર્યું છે.

ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કરેલી અધિકૃત વિગતો અનુસાર, ખેડૂતોના ભવ્ય હિત માટે યોજાયેલા આ આંદોલનને પંથકના અને ગુજરાતભરના ખેડૂત ભાઈઓ-બહેનો તરફથી અમૂલ્ય અને અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે, જે બદલ સમિતિ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ લડતના પ્રથમ તબક્કાના સફળ સમાપન રૂૂપે તા.6 -07ને સોમવારના રાત્રે 9:30 કલાકે ’ગુજરાત ઉપવાસ છાવણી, જેતપર’ ખાતે એક વિશેષ પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ ખેડૂત પરિવારો, મિત્રો અને ગ્રામજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂત એકતાનો સંદેશ વધુ મજબૂત કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ખેડૂત સમિતિના જણાવ્યા મુજબ, સોમવારે રાત્રે યોજાનારા આ પારણા કાર્યક્રમ માત્ર ઉપવાસ છોડવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ અહીંથી ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક બહુ મોટી જાહેરાત પણ કરવામાં આવનાર છે. જેતપરનું આંદોલન પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં ’આંદોલન પાર્ટ-3’ ની સત્તાવાર રજૂઆત બધા સમક્ષ બહુ જલ્દી મૂકવામાં આવશે. આ નવી રણનીતિ અંતર્ગત હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી ખેડૂતોને એક મંચ પર બોલાવવામાં આવશે. આંદોલન સમિતિએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સરકાર સામેની આ લડાઈ હજુ પુરી થઈ નથી પણ તેને વધુ વ્યાપક સ્વરૂૂપ આપવામાં આવી રહ્યું છે.

’પાર્ટ-3’ યોજના હેઠળ ગુજરાતભરના ખેડૂતોને એકત્રિત કરીને જમીન સંપાદન, વીજલાઈન ટાવર વળતર અને ખેડૂતોના અન્ય પડતર અધિકારોના કાયમી ઉકેલ માટે એક મજબૂત અને વ્યાપક વ્યુહરચના ઘડવામાં આવશે. જેતપરથી શરૂૂ થયેલી આ ચિંગારી હવે સમગ્ર રાજ્યમાં આંદોલનનું સ્વરૂૂપ ધારણ કરશે તેવું આયોજન ખેડૂત નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, જેને પગલે આગામી સમયમાં આ વિવાદ વધુ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અમૃતિયાના પારણા
જેતપર ઉપવાસ આંદોલનમાં ઉપવાસી છાવણીમાં બેસેલ નેહુલ અમૃતિયાની ગત મોડી રાત્રીના તબિયત બગડી હતી તેઓ બેભાન થઇ જતા જેતપર હોસ્પિટલ સારવાર આપી મોરબી ખસેડ્યા હતા અને વધુ સારવારની જરૂૂરત હોવાથી 108 મારફત મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં શહેરની ક્રિષ્ના હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી આંદોલનકારીને કીડની અને લીવરમાં સોજો હોવાથી ડોકટરે પારણા કરવાની સલાહ આપી હતી જેથી ડોક્ટરની સલાહ મુજબ રાત્રે 2 : 45 કલાકે નેહુલ અમૃતિયાએ પારણા કર્યા હતા.