ભાવનગરમાં હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે વેપારી પર ખૂની હુમલો

‘તારાથી થાય તે કરે લેજો’ કહી આરોપી ભાગી ગયો ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હિંસક મારામારી ના બનાવો વધી રહ્યા…

‘તારાથી થાય તે કરે લેજો’ કહી આરોપી ભાગી ગયો

ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હિંસક મારામારી ના બનાવો વધી રહ્યા છે. શહેર ના વિઠ્ઠલવાડી વિસ્તારમાં માત્ર સાઈડ માંગવા માટે હોર્ન વગાડવા જેવી મામૂલી બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો.

બનાવ ની વિગત મુજબ વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં પાન-માવાની કેબિન ચલાવતા 48 વર્ષીય વીરભદ્ર ગંભીરસિંહ ગોહિલ રાત્રિએ પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ભોજન લઈને કાર દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હોટલ વ્હાઈટરોઝ પાસે રસ્તાની વચ્ચે જઈ રહેલા એક મોપેડ ચાલક પાસે સાઈડ મેળવવા માટે વેપારીએ હોર્ન વગાડ્યો હતો. માત્ર હોર્નનો અવાજ સાંભળી મોપેડ સવાર મનીષ પરમાર નામના શખ્સનો પિત્તો ગયો હતો.

આરોપીએ વેપારીની કારને અધવચ્ચે ઉભી રખાવી બેફામ ગાળાગાળી કરી ઝઘડો શરૂૂ કર્યો હતો. જોતજોતામાં આવેશમાં આવી ગયેલા મનીષે પોતાની એક્ટિવાની ડિક્કી ખોલી તેમાંથી તીક્ષ્ણ છરી કાઢી વીરભદ્રસિંહ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ પોતાની ઓળખ આપી ધમકી આપી હતી કે, “હું મનીષ પરમાર છું, તારાથી જે થાય તે કરી લેજો,” અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ નિલમબાગ પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી મનીષ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં સતત બનતી હિંસક ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.