Site icon Gujarat Mirror

ભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલો

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે દારૂૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકા રાખી ગામના જ ત્રણ શખસોએ એક ખેડૂત પર લાકડાના ધોકા અને સોટી વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ભંડારીયા ગામે રહેતા 34 વર્ષીય ખેડૂત કનુભાઈ દોલુભાઈ દેસાઈ સવારના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે પોતાની વાડીએ માલઢોરનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના જ વનરાજ લખુભાઈ કામળિયા, અનક દાદભાઈ કામળિયા અને રણજિત દાદભાઈ કામળિયા ત્યાં ધસી આવ્યા હતા. ગેરકાયદેસર દારૂૂનો ધંધો કરતા આ ત્રણેય શખસોએ “તમે પોલીસને અમારી બાતમી આપો છો” તેવી શંકા રાખી કનુભાઈ સાથે ગાળાગાળી કરી ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ ત્રણેય હુમલાખોરોએ લાકડાના ધોકા અને પ્લાસ્ટિકની સોટી વડે ખેડૂત પર બેફામ હુમલો કરતા કનુભાઈને હાથ તથા કોણીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ખેડૂતના બાઇકમાં તોડફોડ કરી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું અને “હવે પછી જો અમારું નામ લઈશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

બનાવ બાદ ઈજાગ્રસ્ત ખેડૂત કનુભાઈને તાત્કાલિક અસરથી પાલીતાણા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યાંથી તેમની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત ખેડૂતની ફરિયાદના આધારે જેસર પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version