Site icon Gujarat Mirror

ગુલાબનગર રોડ પર દબાણો ઉપર મનપાની સ્ટ્રાઇક

15થી વધુ રેંકડીઓ જપ્ત કરાઇ: સુભાષ બ્રિજ સુધીના માર્ગ પર દબાણ હટાવવા કાર્યવાહી કરાઇ

જામનગર- રાજકોટ રોડના ગુલાબ નગર વિસ્તારના પ્રવેશદ્વાર થી લઈને સુભાષ બ્રિજ સુધીના માર્ગે અનેક સ્થળે જાહેર રોડની બંને તરફ નાના-મોટા દબાણો થઈ ગયા હોવાથી તેમજ રેકડી-કેબીનો મોટા પ્રમાણમાં ખડકાઈ ગઈ હોવાથી મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે સાંજે અને આજે સવારે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.
ઉપરોક્ત રોડ પર જાહેર માર્ગો પર બંધ પડેલી એક ડઝનથી વધુ રેકડીઓ કબજે કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અન્ય ધંધાર્થીઓ કે જેઓ પોતાના માલ સામાન ના વેચાણ માટે મંડપ માંચડા ઊભા કરીને ગોઠવાઈ ગયા હતા, તેવા અડધો ડઝન થી વધુ દબાણ ને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દઇ તેઓને પોતાનો માલ સામાન લઈને જતા રહેવા સૂચના આપવામાં આવી હતી.

જેમાં તરબૂચ, અન્ય ફળ- ફ્રૂટ, તેમજ કેટલીક કટલેરી ની ચીઝ વસ્તુઓ, ટેબલ- ખુરશી સહિતના માલસામાનના વેચાણના હંગામી સ્ટોલ ઊભા થઈ ગયા હતા, જેને હટાવાયા છે. અને ગુલાબ નગર થી સુભાષ બ્રીઝ સુધીના માર્ગને સાફ સુથરો બનાવવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી અનવરભાઈ ગજ્જણ ઉપરાંત 15 થી વધુ એસ્ટેટ શાખા ની ટિમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Exit mobile version