જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક જેટકો કંપનીમાં લાઈનમેનની એપ્રેન્ટીસની ભરતી માટે આજે ઉમેદવારોને બોલાવાયા હતા જેમાં 400 થી પણ વધુ ઉમેદવારો ઉંમટી પડતા ભારે દોડધામ થઈ ગઈ હતી. જેટકો કંપનીના જણાવ્યા અનુસાર માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવાયા હતા, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, તેમજ પોરબંદર જિલ્લાના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પરંતુ આજે જામનગરની જેટકો કંપનીમાં પોલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તે વેળાએ આ ત્રણ જિલ્લાઓ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, સોમનાથ, અને અરવલ્લી સહિતના જિલ્લાના ઉમેદવારો પણ આવી પહોંચ્યા હતા. જેથી ભારે દેકારો થઈ ગયો હતો.
ભરતી માટે આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કરાયેલી જાહેરાતમાં ક્યાંય પણ માત્ર ત્રણ જિલ્લા નો ઉલ્લેખ જ નથી, જેથી ઉમેદવારો પોતાના ઘરના પૈસા ખર્ચી ને છેક દૂર દૂરથી અહીં આવ્યા હતા, અને જેટકોએ પરત જવાનું કહી દેતાં અનેક ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને જેટકો ના દ્વારે હંગામો મચી ગયો હતો.
જો કે મોડેથી પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી, અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

