1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના બાકી વેરામાંથી રાહત આપવા અને તંત્રની આવક વધારવા માટે શરૂૂ કરાયેલી 10,000 સુધીની વ્યાજ માફી યોજના તંત્ર માટે આશીર્વાદરૂૂપ સાબિત…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના બાકી વેરામાંથી રાહત આપવા અને તંત્રની આવક વધારવા માટે શરૂૂ કરાયેલી 10,000 સુધીની વ્યાજ માફી યોજના તંત્ર માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ છે. ઓગસ્ટ માસથી શરૂૂ કરાયેલી આ પ્રોત્સાહક યોજનાને શહેરીજનો તરફથી બહોળો આવકાર મળ્યો છે. છેલ્લા દોઢ માસના ટૂંકા ગાળામાં જ શહેરના 3,931 જેટલા મિલકતધારકોએ આગળ આવીને પોતાના બાકી લેણાં ચૂકતે કર્યા છે, જેના પરિણામે મહાપાલિકાની તિજોરીમાં અધધ 7,22,57,825ની માતબર રકમ જમા થઈ ચૂકી છે. આ આવકની સામે તંત્ર દ્વારા નિયમ મુજબ કરદાતાઓને 99,50,819ની વ્યાજ માફીની રાહત આપવામાં આવી છે.

વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, મેયર ડો. નેહલ શુક્લે પદભાર સંભાળ્યા બાદ મહાનગરપાલિકાના નાણાકીય માળખાને મજબૂત કરવા વહીવટી કરકસરની સાથે આવક વધારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વર્ષોથી ચડત રહેલા ડિફોલ્ટરોના બાકી વેરાની વસૂલાત અર્થે મિલકતવેરામાં 5,000 અને પાણીવેરામાં 5,000 મળી કુલ 10,000 સુધીની વ્યાજમાફી આપતી ખાસ યોજના ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિના માટે અમલી બનાવવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલની સીધી અસર વસૂલાત પર જોવા મળી રહી છે.

યોજના હેઠળ માત્ર મિલકતવેરો જ નહીં પરંતુ વર્ષોથી બાકી રહેલા પાણીવેરાની વસૂલાતમાં પણ મોટી સફળતા મળી છે. શહેરમાં ઘણા આસામીઓ નિયમિત પાણી મેળવતા હોવા છતાં ટેક્સ ચૂકવતા નહોતા. આ ઝુંબેશ દરમિયાન પાણીવેરા પેટે મહાપાલિકાને 14,32,189ની આવક પ્રાપ્ત થઈ છે, જેની સામે મનપાએ કરદાતાઓને 2,22,279ની વ્યાજ માફી આપી છે.આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે વર્ષોથી મનપાના રેકર્ડ પર ચડ્યા વગર પાણીનો વપરાશ કરતા 69 અનલિંક વોટર કનેક્શનોને શોધીને સિસ્ટમમાં લિંકઅપ કરી દેવાયા છે. હવે આ તમામ કનેક્શન કાયદેસર થવાથી મનપાને આગામી વર્ષોમાં કાયમી ધોરણે પાણીવેરાની આવક સુનિશ્ચિત થશે.

69 ગેરકાયદે/અનલિંક જોડાણો તંત્રના ચોપડે નોંધાયા
અનલિંક વોટર કનેક્શનની વાત કરીએ તો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે વર્ષોથી મનપાના રેકર્ડ પર ચડ્યા વગર પાણીનો વપરાશ કરતા 69 અનલિંક વોટર કનેક્શનોને શોધીને સિસ્ટમમાં લિંકઅપ કરી દેવાયા છે. રાજકોટ શહેરના તમામ 18 વોર્ડ મુજબ વોર્ડ નં.1માં 5, વોર્ડ નં.2માં 3, વોર્ડ નં.3માં 4, વોર્ડ નં.5માં 4, વોર્ડ નં.6માં 1, વોર્ડ નં. 7માં સૌથી વધુ 21, વોર્ડ નં.8માં 1,વોર્ડ નં.9માં 2, વોર્ડ નં.10માં 3,વોર્ડ નં.11માં 1, વોર્ડ નં.12માં 2, વોર્ડ નં.13માં 1, વોર્ડ નં.14માં 10, વોર્ડ નં.16માં 2, વોર્ડ નં.17માં 6, અને વોર્ડ નં.18માં 3 અનલીંક વોટર કનેક્શન લીંકઅપ કરવામાં આવ્યા છે. જોકે વોર્ડ નં. 15માં એક પણ વોટર કનેક્શન લીંકઅપ થયા નથી. આ યોજના સપ્ટેમ્બર માસના અંત સુધી જ અમલમાં રહેવાની હોવાથી, વેરા વિભાગે બાકી લેણાં ધરાવતા તમામ રેસિડેન્શિયલ અને નોન-રેસિડેન્શિયલ મિલકતધારકોને કાનૂની કાર્યવાહીથી બચવા તેમજ 10,000 સુધીની વ્યાજમાફી મેળવવા તાકીદે વેરો ભરપાઈ કરી દેવા અનુરોધ કર્યો છે. મુદત પૂર્ણ થયા બાદ મનપા દ્વારા બાકીદારો સામે કડક વસૂલાત અને જોડાણ કાપવાની ઝુંબેશ શરૂૂ કરાશે.