રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જાહેર સ્થળોએ ગંદકી કરનાર, રસ્તા પર કચરો ફેંકનાર, જાહેરમાં થૂંકનાર તેમજ પોતાની દુકાન-લારીની આસપાસ ગંદકી ફેલાવનાર તત્વો સામે હવે માત્ર સમજાવટ પૂરતી ન રાખી કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ખુદ આજે તા.9ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ સાથે બુલેટ બાઈક પર સવાર થઈને શહેરના જ્યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ફિલ્ડમાં નીકળ્યા હતા.
જ્યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરએ જાતે જ સ્થળ પર જઈને રોડ, ફૂટપાથ અને જાહેર જગ્યાઓની સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રોડ પર કચરો ફેંકતા, જાહેર જગ્યાએ ગંદકી કરતા તેમજ જાહેરમાં થૂંકતા નાગરિકોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂૂબરૂૂ રોકવામાં આવ્યા હતા અને જાહેર સ્થળને ગંદુ કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જ્યુબિલી વન-વે રોડ વિસ્તારમાં રોડ પર ઊભા રહેતા લારી-થડાવાળા અને અન્ય ધંધાર્થીઓને પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ પર જ સમજ આપવામાં આવી હતી કે ધંધો કરવાની સાથે પોતાના વ્યવસાયના સ્થળની સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ તેમની જ છે. લારી-થડાની આસપાસ કચરો જોવા મળતા સંબંધિત ધંધાર્થીઓને પોતાની જગ્યાની સફાઈ ખુદ કરાવવામાં આવી હતી. સાથે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે લારી, થડો કે દુકાનની આસપાસ કચરો એકઠો કરવો, જાહેર રસ્તા પર કચરો ફેંકવો અથવા ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ગંદકી પ્રત્યે બેદરકારી દાખવવી ચલાવી લેવામાં આવશે નહીં.
સફાઈ બાબતે મ્યુનિસિપલ કમિશનરનું વલણ કેટલું કડક છે તેનો સ્પષ્ટ સંદેશ આપતી ઘટના પણ ફિલ્ડ મુલાકાત દરમિયાન બની હતી. જાહેર રસ્તા પર થૂંકનાર એક નાગરિકને મ્યુનિસિપલ કમિશનરએ રૂૂબરૂૂ રોકી, જાહેર સ્થળને ગંદુ કરવાની ગંભીરતા સમજાવી અને જે સ્થળે ગંદકી કરવામાં આવી હતી તે સ્થળની સફાઈ નાગરિક પાસે જ કરાવવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દંડ કરવાનો નહીં, પરંતુ જાહેર જગ્યા મારી પણ જવાબદારી છે તેવી જવાબદારીની ભાવના દરેક નાગરિકમાં વિકસાવવાનો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ રાજકોટ બનાવવાની જવાબદારી માત્ર સફાઈ કર્મચારીઓની નથી. શહેરના દરેક નાગરિકે પણ પોતાના વર્તનમાં સ્વચ્છતા અપનાવવી પડશે. જાહેર રસ્તો, ફૂટપાથ, ચોક કે અન્ય જાહેર સ્થળ કોઈ એક વ્યક્તિની મિલકત નથી, તે સૌની સામૂહિક મિલકત છે. તેથી જાહેર સ્થળે ગંદકી કરનાર સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે.
નાગરિક સહકાર પણ જરૂરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરની સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે કચરો જાહેરમાં ન ફેંકે, જાહેરમાં ન થૂંકે, પોતાના વ્યવસાયિક સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવે અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરે. સ્વચ્છતા માત્ર એક દિવસની ઝુંબેશ કે મહાનગરપાલિકાની કામગીરી નથી; સ્વચ્છતા રાજકોટની રોજની ઓળખ બને તે માટે નાગરિક અને તંત્ર બંનેની સંયુક્ત જવાબદારી જરૂૂરી છે.
