મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશન

અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…

અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાનું બુલડોઝર ધણધણવા લાગ્યુ છે. ચૂંટણીમાં ટીપી શાખાની પકડ સ્હેજ એવી ઢીલી થતા જ ભુમાફિયાઓને મોકળુ મેદાન મળી ગયુ હતુ. આવા તત્વો દ્વારા સરકારી પ્લોટ અને ટીપીના રોડ પર ખડકી દેવાયેલા દબાણો ઉપર આજે ઘણા લાંબા સમય પછી ડિમોલિશનની ધણધણટી સાંભળવા મળી હતી. સાત જેટલા દબાણો તોડી પાડી રૂૂ.32.14 કરોડની જમીન ખુલ્લી કરવામા આવી હતી.

મનપાની વેસ્ટ ઝોનની ટીપી શાખાએ મવડી મેઇન રોડ અને નાના મવા તેમજ મવડી-પાળ રોડ પર ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યુ હતુ. મવડી મેઇન રોડ પર બાપા સિતારામ ચોકની બાજુમાં સોરઠિયાપાર્કમાં આવેલા મનપાની માલિકીના એસ.ઇ.ડબલ્યુ.એસ(આવાસ યોજનાના હેતુ) માટેના પ્લોટમાં એકસાથે ત્રણ-ત્રણ કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામા આવ્યા હતા. જેમા ટીપી સ્કીમ નં.21(મવડી)માં બાપા સિતારામ ચોકની બાજુમાં સોરઠિયાવાડી શેરી નં.1, 2, 3, 4માં આવાસ યોજના બનાવવાના હેતુ માટે અનામત રખાયેલા 1952 ચો.મી.ના પ્લોટમાં એક કોમર્શિયલ હેતુનુ બાંધકામ ખડકાઇ ગયુ હતુ.

જ્યારે મવડીમાં જ સોરઠિયાવાડી પાર્કના એ જ વિસ્તારમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હેતુ માટેના અનામત પ્લોટમાં પણ કોમર્શિયલ બાંધકામ તેમજ આ જ સોસાયટીમાં અન્ય એક પ્લોટ(રહેણાંક હેતુ માટે)માં પણ કોમર્શિયલ બાંધકામ ખડકાઇ ગયુ હતુ. આ ત્રણેય બાંધકામ થઇ કુલ 3738 ચો.મી. જમીન પર દબાણ દૂર કરાતા રૂૂ. 32.14 કરોડની જમીન ખુલ્લી કરવામા આવી હતી.

અન્ય એક વિસ્તારમાં પણ મનપાનું બુલડોઝર ફર્યુ હતુ. જેમા મવડી ટીપી સ્કીમ નં.27માં એવરેસ્ટ હીલની પાછળ તેમજ નાના મવામાં એ.જી.સોસાયટીને લાગુ ટીપીના રોડ પર એક ધાર્મિક બાંધકામ અને એક દિવાલ ઉભી થઇ ગઇ હતી. આ બન્ને બાંધકામ પણ તોડી પાડવામા આવ્યા હતા.