રાષ્ટ્રીય
મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા
સાતનો ભોગ લેનારા અને અન્ય 42 જેટલા લોકોને ઇજા થઇ તે બસ અકસ્માતના બનાવમાં પોલીસને ઇરાદાપુર્વકનું કૃત્ય દેખાઇ રહ્યું છે. કોર્ટ સમક્ષ ધરપકડ કરાયેલા ડ્રાઇવર સંજય મોરેની કસ્ટડી માગતા પોલીસે જણાવ્યું હતું કે તેને આ કૃત્ય ઇરાદાપુર્વક કરાવ્યું છે કે કેમ અને બસનો વાહનનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરાયો છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે.
દલીલો બાદ મુંબઈ પોલીસની અરજી સ્વીકારીને કોર્ટે દુર્ઘટનાગ્રસ્ત બસ ચલાવી રહેલા સંજય મોરે (54)ને 21 ડિસેમ્બર સુધી તેમની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિગતો એવી બહાર આવી છે કે સંજય મોરેને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. અને સ્ટીયરીંગ ઇવીએસ માટે માત્ર 10 દિવસની તાલીમ લીધી હતી.
પોલીસે એવી પણ રજૂઆત કરી હતી કે ગુનો કરવા પાછળ આરોપીનો ઈરાદો અને કોઈ કાવતરું હતું કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે. પોલીસે ઉમેર્યું હતું કે ડ્રાઇવરે તેના કબજામાં રહેલી બસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો અને મુસાફરો અને રાહદારીઓના જીવનને જોખમમાં મૂકતા ભીડભાડવાળા વિસ્તારમાં તેને બેદરકારીથી ચલાવી હતી કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે.
પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે સંજય મોરેએ બસ ચલાવવાની તાલીમ લીધી હતી કે કેમ અને અકસ્માત સમયે તે માદક દ્રવ્યોના પ્રભાવમાં હતો કે કેમ તેની તપાસ કરવી જરૂૂરી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિવહન વિભાગે અકસ્માતમાં સામેલ બસની તપાસ કરવાની બાકી છે.
મુંબઈ પોલીસની રિમાન્ડ અરજીનો વિરોધ કરતા, સંજય મોરેના વકીલ, સમાધાન સુલાનેએ જણાવ્યું હતું કે બસમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોઈ શકે છે. વકીલે દલીલ કરી હતી કે વાહન ચાલકોને સોંપતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોરેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ડ્રાઇવર માનસિક રીતે વધુ સતર્ક હોવાનું જણાયું હતું અને પ્રાથમિક તબીબી અહેવાલો સૂચવે છે કે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ નથી, અધિકારીએ ઉમેર્યું હતું.