જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય શખ્સને વિદેશી બનાવટની પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ, ગ્રામ્ય એલસીબીની ટીમ શાપર (વે) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કાંગશીયાળી ગામની સીમમાં આવેલી ખોડીયાર હોટલ પાસે એક શંકાસ્પદ શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ઓપરેશન હાથ ધરી હોટલ નજીક વોચ ગોઠવી હતી. બાતમીવાળા સ્થળેથી મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ખેડા ગામનો રહેવાસી અબલા ઉર્ફે રાજુ ઉર્ફે અભેસિંગ ફાકુભાઇ (ઉર્ફે ફતેસીંગ) પરમારની અટકાયત કરી તેની અંગઝડતી લેતા તેની પાસેથી એક પિસ્ટલ અને બે નંગ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા.
પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ સહીત રૂૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. જે.પી.રાવ, પી.એસ.આઈ. એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન. ભરવાડની ટીમે કામગીરી કરી હતી.
