કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.
પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના રમત ગમતમાં ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો. 14 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મંત્રીએ આ તકે કહ્યું કે રમતમાં ખેલદિલી હોય છે. હાર જીત એક અલગ બાબત છે પરંતુ જે જીતી ન શકે તે આગળ જીતવા માટે શીખે છે. સ્વાસ્થ્યની તંદુરસ્તી સાથે માનસિક વિકાસ પણ થાય છે. તેમણે કહ્યું કે ભારતના છેવાડાના વિસ્તારમાંથી પણ યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે દેશનું ગૌરવ વધારે તે માટે સરકારના પ્રયાસો છે. તેમણે યુવાનોને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પણ આહવાન કર્યું હતું. ઓલમ્પિક અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓ માટે પ્રોત્સાહક ઇનામ રકમની જાણકારી સાથે ખેલાડીઓને મંત્રી એ પ્રોત્સાહિત કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી એ આગામી પાંચ વર્ષમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં 100 યુવાનો રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશમાં રાષ્ટ્રીય સ્તરે તૈયાર થાય તેનું પણ વિઝન રાખવામાં આવ્યું છે એમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શનમાં રમત ગમતના સ્પર્ધકો ખેલાડીઓ આગળ વધે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવીને પ્રયાસો કરવામાં આવી છે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ કહ્યું કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદરમાં 112 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમની પણ મંજૂરી આપી છે.
આ ઉપરાંત પોરબંદરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ સહિત રમત ગમતના મેદાનમાં ખેલ સંલગ્ન સુવિધાના કાર્યો પણ થવાના છે. સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ પ્રસંગે ઓલમ્પિક અને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર સુજીત કલવાર, અમન શેરાવત અને રિંકુની ઉપસ્થિતી રહી હતી. અને પોરબંદર વિધાનસભા વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન કર્યા હતા. અને સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થનાર ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

