કોડીનાર-ઉના હાઇવે પર રખડતા આખલા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર રખડતાં પશુઓનો આતંક વધુ એક નિર્દોષ માનવજીંદગી ભરખી ગયો છે. દેવળી ગામના ઓળેશ્વર વાડી વિસ્તાર નજીક રાત્રિના સમયે રસ્તા વચ્ચે અચાનક…

કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર રખડતાં પશુઓનો આતંક વધુ એક નિર્દોષ માનવજીંદગી ભરખી ગયો છે. દેવળી ગામના ઓળેશ્વર વાડી વિસ્તાર નજીક રાત્રિના સમયે રસ્તા વચ્ચે અચાનક રખડતો સાંઢ આવી જતાં બાઈક પર પસાર થઈ રહેલા બે યુવાનો તેની સાથે ધડાકાભેર અથડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 30 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં કોમામાં સરી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોડીનાર તાલુકાના દેવળી ગામના રહેવાસી ગોપાલભાઈ ગાંડાભાઈ મોરી (ઉં.વ. 30) અને લલિત વાણવી બાઈક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રાત્રિના 11 વાગ્યા બાદ ઓલેશ્વર વાડી વિસ્તાર નજીક અચાનક રસ્તાની વચ્ચે રખડતો સાંઢ આવી જતાં બાઈક તેની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવાનો રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં ગોપાલભાઈ મોરીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા લલિત વાણવીને પણ ગંભીર ઈજાઓ થતાં તેમની હાલત અત્યંત નાજુક બની હતી. અકસ્માત બાદ તેઓ કોમામાં સરી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

માત્ર 30 વર્ષની વયે ગોપાલભાઈનું અકાળે અવસાન થતાં દેવળી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોએ યુવાન પુત્ર ગુમાવતાં પરિવારમાં આભ તૂટી પડ્યું છે. બીજી તરફ, કોડીનાર-ઉના હાઈવે સહિત ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર રખડતાં પશુઓની સમસ્યા વાહનચાલકો માટે જીવલેણ બની રહી છે. ખાસ કરીને રાત્રિના અંધકારમાં રસ્તા વચ્ચે અચાનક આવી ચડતાં પશુઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે હાઈવે અને જાહેર માર્ગો પરથી રખડતાં પશુઓને દૂર કરવા તેમજ વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.