ઉનાના મેણ ગામે મહિલા ઉપર દિયરનો ખૂની હુમલો

  ઉના તાલુકાના મેણ ગામે મોડી સાંજે મહિલાની હત્યા નો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક મનદુ:ખને…

 

ઉના તાલુકાના મેણ ગામે મોડી સાંજે મહિલાની હત્યા નો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક મનદુ:ખને પગલે કૌટુંબિક દિયર દ્વારા સંગીતાબેન સોલંકી નામની મહિલા પર દાતરડા વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં મહિલા લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હુમલાખોરે મહિલાના શરીરના વિવિધ ભાગો પર એક પછી એક 8થી 10 જેટલા ઘા ઝીંક્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાના મેણ ગામે મોડી સાંજના સમયે સંગીતાબેન સોલંકી પોતાના ઘરે ઘરકામ કરી રહ્યાં હતાં. દરમિયાન તેમના કૌટુંબિક દિયર ભૂપત નામનો શખ્સ અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો અને અગાઉના કૌટુંબિક મનદુ:ખને લઈને દાતરડા વડે મહિલા પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે મહિલાને માથા, ગળા, પીઠ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દાતરડાના આડેધડ ઘા વાગતાં મહિલા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાં હતાં.

આ ઘટનાને પગલે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, હુમલાખોર ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સંગીતાબેન પર દાતરડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. અગાઉ પૈસાની લેતીદેતી સહિતની બાબતોને લઈને કૌટુંબિક માથાકૂટ થઈ હોવાનું પણ ગામમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બીજી તરફ, મહિલા પર દાતરડા વડે જીવલેણ હુમલો કર્યા બાદ ભૂપત નામનો શખ્સ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક મેણ ગામે દોડી ગયો હતો. પોલીસે બનાવની પ્રાથમિક વિગતો મેળવી આગળની તપાસ અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હુમલો કરી ફરાર થયેલા શખ્સને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.