જામનગરમાં ચાર માસમાં 9 હજારથી વધુ વાહનચાલકો દંડાયા

જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…

જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 1 જાન્યુઆરી 2026થી તા. 30 એપ્રિલ 2026 દરમિયાન ટ્રાફિક શાખાએ વિવિધ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કુલ 9,691 વાહનચાલકો સામે કાર્યવાહી કરી અંદાજે રૂૂા. 47 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે.

ટ્રાફિક વિભાગના આંકડાઓ અનુસાર શહેરમાં સૌથી વધુ નો-પાર્કિંગના 4,445 કેસ નોંધાયા હતા. આ કેસોમાં અંદાજે રૂૂા. 22 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેના પરથી જામનગર શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા ગંભીર બની હોવાની સ્થિતિ સામે આવી રહી છે.

હેલ્મેટ વગર વાહન ચલાવવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે આવા નિયમભંગ બદલ કુલ રૂૂા. 32 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ચાલુ વાહન દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 194 જેટલા કેસ નોંધાયા હતા અને લાખો રૂૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ લગાવનાર વાહનચાલકો સામે 758 કેસ નોંધાયા હતા, જ્યારે કાળા કાચ અને ડાર્ક ફિલ્મ લગાવનાર 255 વાહનચાલકો સામે કાર્યવાહી કરીને રૂૂા. 1 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન હંકારવાના 344 કેસ નોંધાયા હતા તેમજ વીમા વગર વાહન ચલાવવાના 101 કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિક વિભાગ માટે ચિંતાજનક બાબત એ પણ રહી કે સગીર વયના વાહનચાલકોના 25 કેસ નોંધાયા હતા. ટ્રાફિક વિભાગે માતા-પિતાને સગીર બાળકોને વાહન ન આપવા અપીલ કરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત વાહન વ્યવહાર જાળવવા અનુરોધ કર્યો છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ નિયમભંગ કરનારાઓ સામે આ પ્રકારની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સતત કામગીરી હાથ ધરાશે.