દેશના જવાનો મોટાભાગના સમયે સીમા પર રહીને સુરક્ષા કાર્ય કરતા હોય છે. તેઓ ખાસ દિવસો, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન ઉજવણી નહીં માત્ર સુરક્ષા પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. સામાન્ય લોકોનો પ્રેમ તો ભાગ્યે જ જવાનો સુધી પહોંચી શકે છે. આથી રાજકોટના યુવાને લોકોના પ્રેમ અને સન્માનને રાખડીનું સ્વરૂૂપ આપી રક્ષાબંધન ઉજવવાનું નક્કી કર્યું. છેલ્લા ત્રણ વર્ષથી ‘બંધન ફોર ભારત’ નામના કેમ્પેઈનથી જવાનો સુધી રાખડી અને લાગણી પહોંચાડવા માટેનું સુંદર માધ્યમ બની રહ્યું છે.
આ અનોખા અભિયાન અંતર્ગત આ વર્ષે જૂન મહિનામાં જ ગુજરાત ઉપરાંત દિલ્હી, ભોપાલ, ઉદયપુર અને ઉધમપુરના લોકો અને બાળકો દ્વારા રેકોર્ડબ્રેક 70 હજાર જેટલી રાખડીઓ તૈયાર કરાઈ છે. આ વર્ષે 100થી વધુ શાળાઓનો સપોર્ટ મળ્યો છે. રાખડીઓ ઓગસ્ટની આસપાસ રાજકોટ આવશે. તેનું તમામ પ્રકારનું ચેકિંગ થશે અને પરવાનગી પ્રાપ્ત કેમ્પમાં જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
આ અંગે અભિયાનના સંચાલક નંદન માણેક કહે છે કે, “આપણે જવાનો સાથે પ્રેમ, સન્માન, અને ગૌરવના લાગણીસભર બંધનોથી બંધાયેલા છીએ. આપણા પ્રેમ, સન્માનને જવાનો સુધી પહોંચાડવા માટે અમે રાજકોટથી રાખડી મોકલવાનું નક્કી કર્યું. રાખડી માત્ર મહિલાઓ જ નહીં પણ શાળાના બાળકો પણ તૈયાર કરે છે. આ સાથે જ પોતાનો સ્નેહ કાગળમાં કંડારી પત્ર લખે છે.
દરેક રાખડી સાથે એક પત્ર ચોક્કસ હોય છે. આ પત્રો જવાનોમાં સકારાત્મક ઊર્જા, પ્રેમ અને હૂંફ આપે છે. દેશવાસીઓ જવાનોને રક્ષાબંધનના દિવસે તેમને દેશ માટે કરેલા રક્ષાકાર્ય અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.”
સૈનિકોના જીવનની કઠિન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ કાર્ય કરવામાં આવે છે. જવાનોને બહેન ન હોય તેમને પણ રક્ષાબંધન નિમિત્તે રાખડી અને લાગણીસભર પત્ર મળે છે. સંવેદનશીલ જગ્યાઓ પર રાખડીઓ મોકલવામાં આવે છે. ઓછી અથવા નહીંવત્ સંવેદનશીલ જગ્યાઓ પર શાળામાં અભ્યાસ કરતી કેટલીક બહેનોને રાખડી બાંધવા માટે લઈ જવામાં આવે છે. બાળકો સર્જનાત્મક વિચારોથી રાખડી બનાવે છે અને પત્રો લખતા પણ શીખે છે. બાળકો અને મહિલાઓની આ પ્રવૃત્તિમાં શાળા અને પરિવાર પણ જોડાય છે.
ગુજરાત નહીં દિલ્હી, ભોપાલ, ઉદયપુર અને ઉધમપુરના લોકોનો પણ સહયોગ
આ પ્રવૃત્તિનો વ્યાપ હવે ઉત્તરોત્તર વધી રહ્યો છે. 2023થી અત્યાર સુધીમાં કુલ 56,000 જવાનોને રાખડી અને પત્રો મોકલી લાગણી વ્યક્ત કરાઈ છે. અત્યાર સુધીમાં ગુજરાતભરની 70થી વધારે શાળાના બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં જવાનોને પત્રો લખ્યા હતાં. આ વખતે લોકો પત્ર સાથે વિડીયો બનાવીને પણ ‘બંધન ઓફ ભારત’ અંતર્ગત જવાનો સુધી પોતાનો પ્રેમ પહોંચાડી શકશે.
