GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે એપ્લાઇડ સાયન્સના ડિરેકટર ડો.વૈભવ ભટ્ટ નિયુક્ત

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો. રાજુલ ગજ્જરનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ સર્ચ કમિટી ન બનવાના કારણે યુનિવર્સિટીના જ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો. રાજુલ ગજ્જરનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ સર્ચ કમિટી ન બનવાના કારણે યુનિવર્સિટીના જ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર ડો.વૈભવ ભટ્ટને કુલપતિનો કાર્યભાર સોંપવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં નવા કુલપતિ ન આવે ત્યાં સુધી કાર્યકારી કુલપતિ યુનિવર્સિટીનું સંચાલન કરશે.

રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અસંખ્ય પ્રોફેસરો અને પ્રિન્સિપાલ દાવેદાર હોવા છતાં સરકાર દ્વારા સર્ચ કમિટીની રચના જ ન કરવામાં આવતાં ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવાની ફરજ પડી હતી. સૂત્રો કહે છે કે, નિયમ પ્રમાણે જે તે સરકારી યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ પૂરો થાય તેના ત્રણથી છ માસ પહેલા જ સર્ચ કમિટીની રચના કરીને સંભવિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી લેવામાં આવતી હોય છે. સર્ચ કમિટી દ્વારા આવેલી અરજીઓ પૈકી કોઇપણ ત્રણ ઉમેદવારોના નામ નક્કી કરીને સરકારને સુપરત કરી દેવામાં આવે છે.

સરકાર દ્વારા કોઇપણ એક નામ પર પસંદગી ઉતારીને કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હોય છે. આશ્ચર્યની વાત એ કે, વર્તમાન કુલપતિની મુદત ઓગસ્ટમાં પૂરી થવાની છે તેની સરકારને આગોતરી જાણકારી હોવા છતાં સર્ચ કમિટીની રચના માટેની કોઇ કાર્યવાહી જ કરવામાં આવી નથી. વર્તમાન કુલપતિને બીજી ટર્મ આપવામાં આવે તેવી ચર્ચાઓ પણ શરૂૂ થઇ હતી. આ સ્થિતિમાં 6 માસ પહેલા જ સર્ચ કમિટીની રચના કરવાના બદલે છેલ્લા દિવસ સુધી કોઇ પ્રક્રિયા ન થતાં છેવટે હાલમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો. વૈભવ ભટ્ટના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

મહત્ત્વની વાત એ કે, ભૂતકાળમાં પણ યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ થયા બાદ આઠ માસ સુધી નવા કુલપતિની નિમણૂક માટેની કોઇ કાર્યવાહી ન થતાં ઇન્ચાર્જ કુલપતિએ જ કાર્યભાર સંભાળવો પડયો હતો. આમ, હાલમાં જે ડાયરેક્ટરને ઇન્ચાર્જ કુલપતિની કામગીરી સોંપવામાં આવી છે તેઓએ અંદાજે 6 માસ સુધી કાર્યભાર સંભાળવો પડશે તે નક્કી છે.