ગુજરાત

ગુજરાતમાં જજોની 500થી વધુ જગ્યા ખાલી, 15.67 લાખ કેસોમાં તારીખ પે તારીખ!

Published

on

અદાલતોમાં ખાલી જગ્યાની દ્દષ્ટીએ ગુજરાત દેશમાં બીજા ક્રમે

ગુજરાતની નીચલી અદાલતોમાં વર્ષ 2023ના અંતે 15 લાખથી વધુ કેસ પડતર હતા. બીજી તરફ રાજ્યની જિલ્લા સહિતની નીચલી અદાલતોમાં ફેબ્રુઆરી-2024 સુધી 500થી વધુ જજની જગ્યા ખાલી હતી. નવાઇની વાત એ છે કે, જિલ્લા અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં જજની ખાલી સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા નંબરે હતું. આ સંજોગોમાં અરજદારને ઝડપી ન્યાય ક્યાંથી મળે તે સવાલ ઉભો થયો છે. તે ઉપરાંત હાઇકોર્ટમાં જુલાઇ-2024ની સ્થિતિએ 23 જેટલી ન્યાયાધીશની જગ્યા ખાલી છે.


ગુજરાતમાં 2022માં નીચલી અદાલતોમાં કુલ 16.93 લાખ કેસ પડતર હતા. તેમાં આંશિક ઘટાડો થઇ 2023માં 15.67 લાખ જેટલા કેસ પેન્ડિંગ રહ્યા હતા. તેમાંથી અનેક કેસ વર્ષો જૂના છે. તેની સામે રાજ્યમાં નીચલી અદાલતોમાં મોટી સંખ્યામાં જજની સંખ્યા ખાલી છે. તેના કારણે એકતરફ કેસોનો ભરાવો થતો જાય છે અને નિકાલ થાય તેવી માળખાગત વ્યવસ્થા સમાંતર ગોઠવાઇ રહી નથી. ફેબ્રુઆરી-2024ની સત્તાવાર માહિતી મુજબ, દેશના વિવિધ રાજ્યમાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યમાં છે. જેમાં જજની સંખ્યા મોટી સંખ્યામાં ખાલી રહી હતી. ઉત્તરપ્રદેશ સૌથી વધુ 1250 ખાલી જગ્યા સાથે પ્રથમ નંબરે તે પછી ગુજરાત અને 467 ખાલી જગ્યા સાથે બિહાર ત્રીજા નંબરે છે. ગુજરાત કોર્ટના બિલ્ડિંગથી લઇ અન્ય સુવિધામાં મોખરે છે ત્યારે જજની ખાલી જગ્યાના કારણે કેસોનો ભરાવો લાંબા સમય સુધી રહે છે.


તાજેતરમાં રાજ્યસભામાં અપાયેલા આંકડા મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 ન્યાયાધીશની જગ્યા છે તેમાંથી 29 જગ્યા ભરેલી છે. તેની સામે 23 જગ્યા ખાલી છે. જે લગભગ 45 ટકા જેટલી થવા જાય છે. વિવિધ અદાલતમાં જજની ખાલી જગ્યાના કારણે કેસોના નિકાલની પ્રક્રિયામાં વિલંબ થાય છે. તે સાથે જજ ઉપર કામનું બમણું ભારણ રહેતું હોય છે. અરજદારને ન્યાય મેળવવામાં ભારે વિલંબ પણ થતો હોય છે. તો નવા કેસની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. તેથી ઉપલી અદાલતોથી લઇ નીચલી અદાલતો સુધીના કુલ લાખો પેન્ડિંગ કેસની સંખ્યા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version