Site icon Gujarat Mirror

મોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

પૈસાની લેતી-દેતીમાં છ શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મિત્ર ઉપર પણ હુમલો

માળિયા હળવદ હાઈવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો માળિયા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીઓ ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના આલાપ પાર્ક સોસાયટીના રહેવાસી વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે આરોપીઓ શિવમ રબારી હોથલ ફાયનાન્સવાળા, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વિવેક પટેલ તેમજ અન્ય ગૌરક્ષક મિત્ર અનીલ હરીલાલ કંડિયા, પાર્થ મનસુખભાઈ નેસડીયા, વિશાલ મનસુખ નેસડીયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ એમ બધા મોરબીથી માળિયા ધ્રાંગધ્રા હાઈવે રોડ પર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલ આઈસર નીકળવાનું હતું જેથી વોચમાં અણીયારી ટોલનાકે ગયા હતાં.

તા. 22 ના રાત્રીના એકાદ વાગ્યે ટોલનાકા પાસે ધૈર્ય હોટેલમાં નાસ્તો કરવા ગયા હતા નાસ્તાનો ઓર્ડર આપી હોટેલ ગ્રાઉન્ડના ટેબલ આજુબાજુમાં બેઠા હતા ત્યારે એક ઇકો ગાડી આવી જેમાં રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ ઉતર્યા હતા બધા હાથમાં છરી લઈને આવી મિત્ર અનીલ હરીલાલ કંડિયાને કહ્યું અમને બધાને હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી તેમ કહી ઝઘડો કરી છરી વડે મારી નાખવાના ઈરાદે અનિલભાઈને ઘા માર્યા હતા જેમાં પ્રથમ છરીનો ઘા કિશન ચૌહાણે માર્યો, બીજો ઘા રમેશ રબારી, બાદમાં બધા અનિલભાઈને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.

ફરિયાદી છોડાવવા વચ્ચે પડતા પૃથ્વીરાજસિંહે એક છરીનો ઘા મારી નાખવાના ઈરાદે ડાબા પગના કુલાના ભાગે મારી દીધો હતો જેથી હોટેલ વાળા તેમજ અમારી સાથે રહેલા માણસો વચ્ચે પડતા પાંચેય ઈસમો ઇકો ગાડી લઈને જતા રહ્યા હતા બનાવમાં ફરિયાદી અને મિત્ર અનિલભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે લઇ ગયા હતા જ્યાં મિત્ર અનિલભાઈ હરીલાલ કંડિયાને ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ લઇ ગયા હતા જ્યાં રાજકોટ સારવારમાં મોત થયું હતું.

આમ ફરિયાદીના મિત્ર અનિલભાઈ હરીલાલ કંડિયાએ શિવમ રબારી હોથલ ફાયનાન્સ વાળા પાસેથી પૈસા લીધા હોય જે પૈસાની લેતીદેતી મામલે શિવમ રબારીએ અગાઉથી પ્લાન બનાવી તેના માણસો રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણને પ્રાણ ઘાતક હથિયારો સાથે મોકલ્યા હતા અને આરોપીઓએ મિત્ર અનીલભાઈ પર છરીઓથી હુમલો કરી ગંભીર ઈજા કરી હત્યા કરી હતી અને ફરિયાદીને છરી વડે ઈજા પહોંચાડી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી છ આરોપી ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version