ગુજરાતમાં ચોમાસાની પધરામણી: બાલાસીનોરમાં પોણા છ ઇંચ વરસાદ

મહિસાગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ- ઝાપટા ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ…

મહિસાગર-અરવલ્લી-ખેડા-પંચમહાલ-છોટા ઉદેપુર જિલ્લાના 16 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ- ઝાપટા

ગુજરાતમાં લાંબા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અંતે મેઘરાજાએ પ્રચંડ એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં પોણા છ ઇંચ (5.7 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. આ સિવાય ભિલોડામાં 2.9 ઇંચ, સતલાસણામાં 2.8 ઇંચ અને ધનસુરામાં 2.6 ઇંચ વરસાદ નોંધાયો છે.

સીઝનના આ પ્રથમ ધમાકેદાર વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારેથી પણ ગુજરાતમાં ગોંડલ, મેંદરડા, છોટા ઉદેપુર, હિંમતનગર, ઉમરેઠ, કેશોદ સહીતનાં વિસ્તારોમાં વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જામનગર પંથકમાં પણ સવારથી મેઘરાજાના મંડાણ થયા છે.

વાવ, થરાદ, લાખણી અને દિયોદર સહિતના સરહદી વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા, પરંતુ રાત્રિ દરમિયાન મેઘ મહેર થતાં જ ખેડૂતોમાં નવી આશા જાગી છે. લાખણીના કુડા, મોરલ અને વાસણ ગામોમાં ધીમીધારે અમૃત વર્ષા થઈ છે. બીજી તરફ સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, કાંકરોલ કંપા અને હડિયોલમાં વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો
મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં 2.2 ઇંચ અને કપડવંજમાં 2.1 ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના લાંબા બંદર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે આકાશમાં વાદળો ઘેરાયા બાદ અચાનક વરસાદી ઝાપટા શરૂૂ થતાં ઘરતીપુત્રોમાં ચિંતાની લહેર દોડી ગઈ છે. અચાનક આવેલ કમોસમી વરસાદી ઝાપટાને કારણે સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે. હાલ ખેતરોમાં મોલ તૈયાર થઈ ગયો હોય અથવા લણણીની પ્રક્રિયા ચાલતી હોય તેવા સમયે જ વરસાદ ખાબતા તૈયાર થયેલ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. લાંબા નજીકના દ્વારકા પંથકમાં પણ આજે સવારથી જ વાદળછાયા અને ધ્રાબડિયા વાતાવરણમાં સુર્યદેવ સતત સંતાકુકડી રમી રહયા હોય તેમ તડયા છાંયાનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે અસહય બફારાના માહોલ વચ્ચે અરબી સમુદ્રના પાણીમાં પણ આખરનો કરન્ટ જોવા મળી રહયો હોય દરિયાકિનારાના વિસ્તારોમાં મસમોટા મોજા ઉછળતા જોવા મળી રહયા છે.

કેશોદ
પંદર જૂનથી ચોમાસુ દર વર્ષે બેસી જાય છે અને સમયસર વરસાદનું આગમન પણ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસાની શરૃઆત થોડી મોડી થાય તેવા એંધાણ હવામાન વિભાગના નિષ્ણાત લોકો દશોવી રહીયા છે ત્યારે રાબેતા મુજબ ચોમાસા ની હજુ કોઈ જગ્યાએ શરૂૂઆત થઈ નથી પરંતુ જૂનાગઢ ના કેશોદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે વરસાદ નું ઝોરદાર ઝાપટુ પડી ગયું હતું અને રોડ રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા પરંતુ હવે લોકો રાબેતા મુજબ સારા ચોમાસા ની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે અને તેના માટે પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે.

હળવા વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા
IMDની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વાદળોની અવરજવરની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, વિદર્ભ તેમજ કોંકણ અને ગોવામાં પણ જુદા-જુદા સ્થળો પર હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે. જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ભેજ અને વાદળોનો પ્રભાવ બનેલો છે. આ સ્થિતિમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ બનેલી છે. હવામાન વિભાગે 18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતની નજીક એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

કયા તાલુકામાં કેટલો વરસાદ?
બાલાસીનોર 5.79
ભિલોડા 2.95
સાતલાસણા 2.87
ધાનસુરા 2.60
ગળતેશ્ર્વર 2.24
કપડવંજ 2.17
ડેસર 2.09
ધોધંબા 2.05
જંબુઘોડા 2.01
કડવલ 1.93