રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે કુલ 111 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કુલ 24 તાલુકાઓમાં એક ઇંચથી લઈને પોણા છ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 5.77 ઇંચ નોંધાયો છે. નવસારી શહેરમાં પણ 4.80 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનવહારે પર માઠી અસર પહોંચી હતી અને નાગરિકોને આવન-જાવન કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
વલસાડ જિલ્લાના પારડીમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણામાં 3.07 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ચિખલીમાં 2.48 ઇંચ અને સુરતના મહુવામાં 2.17 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નાનોપોંઢામાં 1.97 ઇંચ, વલસાડના કપરાડામાં 1.85 ઇંચ, સુરતના બારડોલીમાં 1.73 ઇંચ તેમજ સુરત શહેરમાં પણ 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે.
તારીખ 20/07/2026 ના રોજ સવારના 06:00 થી 10:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યું છે. નવસારીના જલાલપોરમાં સવારના સમયમાં સૌથી વધુ 2.64 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેરમાં 2.32 ઇંચ અને ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં 1.77 ઇંચ અને વલસાડના પારડીમાં 1.61 ઇંચ વરસાદ સવારના જ કલાકમાં વરસી ગયો છે. સવારના 06:00 થી 10:00 વાગ્યા સુધીમાં રાજ્યના 44 જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
જામનગરમાં સવારથી વરસાદ
જામનગર શહેરમાં નગરજનો દ્વારા લાંબા સમયથી મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, દરમિયાન મેઘવૃષ્ટિ ની રાહ જોઈ રહેલા જામનગર શહેરવાસીઓ માટે સોમવારનો દિવસ રાહતભર્યો રહ્યો હતો. આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને સવારે અંદાજે સાડા દસ વાગ્યાના અરસાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદ શરૂૂ થતાં શહેરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને હજુ પણ વાદળછાયું વાતાવરણ હોવાથી વધુ વરસાદની આશા સેવાઈ રહી છે.

