બાળકોની નારાજગી પણ કેટલી માસૂમ હોય છે, તેનો અંદાજ મધ્યપ્રદેશના બુરહાનપુરથી વાયરલ થયેલા એક જૂના વીડિયોને જોઈને લગાવી શકાય છે. આ મામલો વર્ષ 2022નો બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ બાળકની માસૂમ ફરિયાદનો આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં આશરે 3 વર્ષનો એક બાળક પોલીસ ચોકીમાં પોલીસ અધિકારીની સામે ઉભેલો નજરે પડે છે. જોવા જઈએ તો આ બિલકુલ સામાન્ય ફરિયાદ જેવું લાગે છે, પરંતુ જ્યારે બાળકને તેની મુશ્કેલી વિશે પૂછવામાં આવે છે ત્યારે તેની વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગે છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, બાળક ચોકલેટ કે કેન્ડી ખાવાની જિદ્દ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની મમ્મી તેને નવડાવવાની અને કાજળ કે ટીકો લગાવાની કોશિશ કરી રહી હતી. બાળકની જિદ્દ અને શરારતથી પરેશાન થઈને મમ્મી વઢ્યા અને હળવો ઠપકો પણ આપી દીધો. બસ પછી શું હતું, નાનકડો બાળક પોતાની મમ્મીથી નારાજ થઈ ગયો. તેણે પોતાના પિતા પાસે પોલીસ પાસે જવાની જિદ્દ પકડી લીધી, અને પિતા પણ બાળકની વાત માનતા તેને લઈને દેડતલાઈ પોલીસ ચોકી પહોંચી ગયા હતા. ચોકીમાં હાજર સબ-ઇન્સ્પેક્ટર પ્રિયંકા નાયકે જ્યારે બાળકને તેની સમસ્યા પૂછી, તો તેણે પોતાની માસૂમ ભાષામાં મમ્મી સામે ફરિયાદ કરવાનું શરૂૂ કરી દીધું હતું. બાળકનો આરોપ હતો કે, તેની મમ્મી તેની ચોકલેટ લઈ લે છે અને તેને મારે પણ છે. માસૂમે ત્યાં સુધી કહી દીધું કે, તેની મમ્મીને જેલમાં પૂરી દેવામાં આવે.
પોલીસ અધિકારીએ તેની વાતને નજર અંદાજ ન કરી. તેમણે બાળકને સહજ અનુભવ કરાવવા માટે કાગળ અને પેન લીધી અને તેની ફરિયાદ લખવાનું નાટક કર્યું હતું. જ્યારે બાળકને ફરિયાદ પર સહી કરવાનું કહેવામાં આવ્યું, તો તેણે પણ ખૂબ જ ગંભીર અંદાજમાં પેન ઉપાડી અને કાગળ પર કેટલીક લીટીઓ ખેંચી દીધી હતી.
