મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી

રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…

રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન રોડ પર આવેલી ’મોમાઈ મોબાઈલ’ નામની દુકાનને નિશાન બનાવીને અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી રોકડ રકમ તેમજ કિંમતી ઈલેક્ટ્રોનિક્સ સામાન સહિત કુલ રૂૂ. 2,78,500/- ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે દુકાનમાલિક દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને સઘન તપાસ શરૂૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી હાર્દીકભાઈ ભરતભાઈ બોરીચા મહાદેવ વાડી મેઈન રોડ પર મોબાઈલની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 20 જુલાઈ 2026 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના સુમારે દુકાન બંધ કરવાનો સમય થતાં હાર્દીકભાઈ તથા તેમની સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ દુકાને હાજર હતા. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોનો વેપાર ભેગો થયેલો હોય તેનું કેશ કાઉન્ટરમાં હીસાબ કરતા કુલ રૂૂ. 2,02,000/- ની રોકડ રકમ થઈ હતી. આ રોકડ રકમ કેશ કાઉન્ટરમાં મૂકીને લોક મારી દીધા બાદ તમામ કર્મચારીઓ દુકાન બંધ કરીને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે જ્યારે દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે દુકાનના તાબળા તૂટેલા હાલતમાં જોવા મળ્યા હતા, જેને લઈને તરત જ દુકાનમાલિક અને તેમના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

દુકાન ખોલીને અંદર તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દુકાનનું કેશ કાઉન્ટર તૂટેલું હતું અને અંદર રાખેલા રૂૂ. 2,02,000/- રોકડ ગાયબ હતા. આ ઉપરાંત દુકાનમાં રાખેલા અલગ-અલગ કંપનીના કિંમતી મોબાઈલ ફોન પણ ચોરાયા હતા, જેમાં ઓપો કંપનીનું રેનો 16 સી મોડલ (કિંમત અંદાજે રૂૂ. 55,000/-) અને સેમસંગ કંપનીનું એ 13 મોડલ (કિંમત અંદાજે રૂૂ. 5,000/-) મળી કુલ રૂૂ. 60,000/- ના બે મોબાઈલ ફોન પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. એટલું જ નહીં, પરંતુ ચોરોએ પુરાવાનો નાશ કરવા અથવા પોતાની ઓળખ છુપાવવા માટે દુકાનમાં સીસીટીવી ફુટેજ સ્ટોર કરવા માટે રાખેલું ડી.વી.આર. (જેની કિંમત રૂૂ. 15,000/-) અને નેટ કનેક્શન રાઉટર (જેની કિંમત રૂૂ. 1,500/-) પણ ચોરી કરી લીધા હતા. આમ, કુલ રૂૂ. 2,78,500/- ના મુદ્દામાલની ચોરી થયાનું સ્પષ્ટ થયું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દુકાનમાલિક દ્વારા આસપાસની દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં તા. 21 જુલાઈ 2026 ના રોજ વહેલી સવારે આશરે બે વાગ્યાની આસપાસ એક અજાણ્યો ઇસમ કોઈ સાધન કે વસ્તુ વડે દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશતો નજરે પડ્યો હતો. આ મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. રાઠોડ દ્વારા તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એલ. બ્લોચને સોંપવામાં આવી છે.