રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેક લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ વિસ્તારમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ભારે બબાલ મચી છે. ધારાસભ્ય નઝીર અહેમદ ખાનની રેલીમાં ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં એક ડઝન લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ટોળાના હુમલામાં અનેક વાહનોને નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવીને કાર્યવાહી કરી છે. પોલીસે સ્થિતિને કાબુ કરવા માટે ટોળા પર ટીયર ગેસના સેલ છોડ્યા છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સે હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે, તો બીજીતરફ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, મારમારીમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણને વધુ ઈજા થઈ હોવાથી સારી સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાને ધ્યાને રાખી વિવિધ કાયદાકીય કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. હાલ આ મામલે કોઈપણની ધરપકડ કરવામાં આવી નથી.
નેશનલ કોન્ફરન્સ ધારાસભ્ય નજીર અહમદ ખાને રેલીમાં હુમલો કરવા પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને હરીફ ભાજપના નેતા ફકીર મોહમ્મદ ખાનના સંબંધીઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે જાણીજોઈને રેલીને નિશાન બનાવ્યું છે અને તેમનો સમર્થકોના હુમલાના કારણે અનેક લોકોને ઈજા થઈ છે. બીજીતરફ ભાજપ નેતાએ પણ ધારાસભ્યના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો છે.