Site icon Gujarat Mirror

તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ

ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને માર માર્યો હતો. મર્સિડિઝ કાર અન્ય કારના દરવાજા સાથે અથડાતા માથાકૂટ સર્જાઈ હતી. આ મામલે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના બાદલપર ગામમાં રહેતા હિતેષભાઈ જેસાભાઈ સોલંકી ગતરોજ તેમના શેઠ વીજુભાઈ બારડની જીજે-18-ઈઈ-9853 નંબરની મર્સિડિઝ કાર લઈને બંસીબેન બારડ તથા બાળકોને લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યાં હતા અને તેમની સાથે અન્ય બે કારમાં તેમના શેઠનો પરિવાર આગળ જતો હતો. ગતરોજ સાંજના પાંચ કલાકના અરસામાં તળાજા તાલુકાના પસવી ગામ પાસે કોદિયા ગામના રોડના ક્રોસિંગ નજીક પહોંચતા એક ટ્રેક્ટર ક્રોસિંગ થવા નિકળતા તેમણે તેમની કાર સાઈડમાંથી કાઢવા જતાં રોડની સાઈડમાં જાનની પાંચ-છ ગાડીઓ ઉભી હતી.

તેમાંથી એક ગાડીનો દરવાજો અંદર બેસેલા કોઈએ અચાનક ખોલતા તેમના દરવાજા સાથે કાર અથડાઈ હતી. આ દરમિયાન આ કારમાંથી સાત-આઠ માણસો લાકડાના ધોકા તથા પાઈપ લઈને આવી કારમાં તોડફોડ કરી હતી અને તેમના માથામાં લોખંડના સળીયો માર્યો હતો અને ત્યાંથી પસાર થતાં કોઈ રાહદારીએ તેમને વધુ માર મારતા છોડાવ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો કારની ડીકીમાં રાખેલી બેગમાંથી સોનાના ઘરેણાં અને રોકડ મળી કુલ રૂૂ. 3 લાખના મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે કારના ડ્રાઈવર હિતેષભાઈ જેસાભાઈ સોલંકીએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તળાજાના પસવી ગામ પાસે વીજુભાઈ બારડની મર્સિડિઝ કારમાં તોડફોડ અને લૂંટ થઈ હતી. મળતી વિગતો પ્રમાણે વીજુભાઈ બારડ તાલાલાના ધારાસભ્યના ભત્રીજા છે અને કારમાં ધારાસભ્યના પુત્રવધુ અને બાળકો સવાર હતા. જોકે તેમને કોઈ ઈજા પહોંચી નહોતી.

Exit mobile version