Site icon Gujarat Mirror

માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા માઠું લાગતા સગીર પુત્ર ઘર છોડીને જતો રહ્યો

હાલ ટેકનોલોજીના જમાના મોબાઈલ વળગણ ધરાવતાં બાળકો ભણવામાં ઓછું ધ્યાન આપી રહ્યાં છે ત્યારે તેમના માતા પિતા તેમને ભણવામાં ધ્યાન આપવાનું કહેતો બાળકોને માઠુ લાગી જાય છે ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં બન્યો છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર રહેતાં પરિવારના બાળકને માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા તેમને માઠુ લાગી ગયું હોય અને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે મુખ્ય માર્ગોના સીસીટીવી ફુટેજ તપાસી બાળકને બીગ બજાર પાસેથી શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, એરપોર્ટ રોડ પર સખીયાનગર શેરી નં.4માં રહેતા ભાવેશભાઈ ભટ્ટનો સગીર વયનો પુત્ર કોઈને કહ્યા વગર ઘરેથી બપોરે બે વાગ્યે કયાંક જતો રહ્યો હોય રાત્રિનાં નવ વાગ્યા સુધી સંબંધીઓ અને મિત્રોને ત્યાં તપાસ કરતાં પુત્ર મળી આવ્યો ન હતો. જેથી પરિવારે તુરંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી પુત્ર અંગેની વિગત કહી હતી. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઈ એસ.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબ મસરીભાઈ ભેટારીયા, શબીરભાઈ મલેક, રોહિતદાન ગઢવી, ભરતભાઈ મકવાણા અને મુકેશભાઈ સબાડ સહિતના સ્ટાફે બાળકના પરિવારની ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બાળકને તેના માતાએ ભણવામાં ધ્યાન આપવાનું કહેતા બાળકને માઠુ લાગી ગયું હતું અને ઘરેથી ચાલ્યો ગયો હતો.

પોલીસે તુરંત મુખ્ય માર્ગના હાઈ-વે પ્રોજેકટના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી હતી અને બાળક સીસીટીવીમાં સાયકલ લઈ હનુમાન મઢી ચોકથી નિર્મળા રોડ, કોટેચા ચોક અને બીગ બજાર તરફ જતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસના અન્ય સ્ટાફે બાતમીદારોને દોડાવી 150 ફુટ રીંગ રોડ બીગ બજાર પાસેથી બાળકને શોધી કાઢયો હતો અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Exit mobile version