ગુજરાત

પ્રધાનોને નીતિવિષયક નિર્ણયો નહીં લેવાની સૂચના

Published

on

ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો ફરી તેજ બની, 15-20 દિવસમાં નવાજૂનીના સંકેત

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ફરી સતા પરિવર્તનની અટકળો વચ્ચે ગાંધીનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજયના પ્રધાનોને હાલ કોઇ નીતિ વિષયક નિર્ણયો નહીં લેવા હાઇ કમાન્ડની સુચના આવી હોવાનું ભાજપના ટોચના સુત્રોમાંથી જાણવા મળે છે.


સરકારમાંથી જ એક અંતરંગ માહિતી એવી સામે આવી છે કે, રાજ્ય સરકારના તમામ મંત્રીઓને આગામી 15થી 20 દિવસ સુધી પોતાના વિભાગોમાં કોઈપણ નીતિવિષયક નિર્ણય નહીં કરવાનો બંધબારણે આદેશ અપાયો છે, જે ગુજરાતના રાજકારણમાં કાંઈક નવાજૂની થવાનો સંકેત આપે છે અથવા આ આગામી પખવાડિયાં દરમ્યાન મંત્રીમંડળનું વિસ્તરણ શક્ય બની શકે છે.


મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોવાથી હાલના અને નવા મંત્રીઓના ખાતાં બદલાઈ શકે છે, ઉપરાંત કેટલાક પ્રધાનોને પડતા મુકાઇ શકે છે. એટલે પણ મંત્રીઓને આ સૂચના અપાઈ હોઈ શકે છે. મુખ્યમંત્રી સહિત કુલ 17 સભ્યનું કદ ધરાવતા મંત્રીમંડળમાં હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ મંત્રી થયેલા ચાર મંત્રી છે અને હવે તેમાં વધુ બે મૂળ કોંગ્રેસના મંત્રીઓના સંભવિત ઉમેરો થઇ શકે છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી પેટા-ચૂંટણીમાં ચૂંટાયેલાઓ પૈકી અર્જુનભાઈ મોઢવાડિયા અને સી.જે. ચાવડાને મંત્રીમંડળમાં સામેલ કરાશે, એમ મનાય છે.


ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બોટાદના સાળંગપુર ખાતે મળી ત્યારે થયેલા મનોમંથન બાદ સરકાર અને સંગઠનમાં ફેરફારની વાત નિશ્ચિત બની હતી, પરંતુ ગુજરાત સરકારનું વિસ્તરણ થવાનું કોઈ અગમ્ય કારણોસર મોડું થઈ રહ્યું છે. જાહેર કારણ તો એ છે કે, એક તો લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ગૃહરાજ્યમાં ભાજપે બનાસકાંઠાની એક બેઠક ગુમાવી હતી, આ વાત સામાન્ય નથી કેમ કે, તેના કારણે આ બંને મહાનુભાવને દેશભરમાં ભારે બદનામી ભોગવવી પડી હતી. એવી જ રીતે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના પણ હોદ્દાની મુદ્દત પૂરી થઈ ચૂકી છે, એટલે નવા પ્રદેશ પ્રમુખના આગમનની પણ રાહ જોવાઈ રહી છે.

કોંગે્રસમાંથી આવેલા બે ને સમાવાશે, હાલ કોંગે્રસના ચાર પ્રધાનો છે જ
જો કે, અંદરની વાત તો એવી છે કે, મંત્રીમંડળના વિસ્તાર અને હાલમાં જ ભાજપમાં જોડાઈને ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય થયેલાઓને મંત્રીમંડળમાં સામેલ કરવા સામે અંદરખાને ભારે વિરોધ છે. આ સ્થિતિને નિવારવા માટે પણ મંત્રીમંડળનું વિસ્તરણ ટાળવામાં આવી રહ્યું હોય તેમ કેટલાંક સૂત્રો કહી રહ્યા છે. જો કે, વાત ક્યાંક અટકી છે કેમ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત આઠ કેબિનેટ કક્ષાના અને આઠ રાજ્ય કક્ષાના મંત્રી મળીને મંત્રીમંડળનું કુલ કદ 17નું છે, જેમાં કેબિનેટ કક્ષામાં રાઘવજી પટેલ અને કુંવરજી બાવળિયા તથા રાજ્ય કક્ષામાં ભીખુભાઈ પરમાર અને કુંવરજી હળપતિ એમ કુલ ચાર મંત્રી જે-તે સમયે એક યા બીજી રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ નવેસરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે. હવે, મંત્રીમંડળનું વિસ્તરણ કરીને એમાં વધુ બે મૂળ કોંગ્રેસીને સ્થાન મળે તો તેની સામે પણ ભાજપમાં વિરોધ તો છે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version