યાત્રાધામ વીરપુરમાં ખનીજચોરો બેફામ, કરોડોની ખનીજ ચોરી સામે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ

યાત્રાધામ વીરપુર તેમજ આસપાસના કાગવડ, પીઠડીયા, સેલુકા, થોરાળા, મસિતાળા, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી…

યાત્રાધામ વીરપુર તેમજ આસપાસના કાગવડ, પીઠડીયા, સેલુકા, થોરાળા, મસિતાળા, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. વીરપુર પંથકની નદીઓ, નાળાઓ, પર્વતો અને ટેકરાઓને બેફામ રીતે ખોદી કુદરતી સંપત્તિનો બેફામ નાશ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ખનીજ દલાલો દ્વારા ખાસ કરીને રાત્રિના સમયે ભારે મશીનરી અને વાહનો મારફતે ખનીજ ચોરી કરવામાં આવે છે. સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. કુદરતી સંપત્તિની દલાલી કરતા કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાની ચર્ચાઓ વચ્ચે સ્થાનિક તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.

લોકોમાં એવી પણ ચર્ચા છે કે ખાણ-ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં છે કે પછી મલાઈમાં રસ ધરાવે છે? કારણ કે અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં કોઈ કડક કાર્યવાહી થતી દેખાતી નથી. જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી છે અને ખનીજ ચોરીમાં સંડોવાયેલા દલાલો તથા ખનીજચોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

ખાસ કરીને વીરપુર, કાગવડ, મસિતાળા અને ભંડારીયા વિસ્તારનો વીડી વિસ્તાર સરકાર દ્વારા લાયન ટેરિટરી તરીકે જાહેર કરાયો છે, જ્યાં સિંહોનો વસવાટ હોવાનું પણ જાણવા મળે છે. તેમ છતાં આ વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપો વચ્ચે વન વિભાગના અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ આંખ આડા કાન કરી રહ્યો છે.

બીજી તરફ સ્થાનિક તલાટી કમ મંત્રી અને ટીડીઓ દ્વારા માત્ર પંચ રોજકામ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જો વાસ્તવિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કરોડો રૂૂપિયાના ખનીજ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.