મોરબી-વાંકાનેર પંથકમાં ખેડૂતોની વાડીઓમાં આવેલા બોર અને કૂવામાંથી સિંચાઈનું પાણી મેળવવા માટે લગાવવામાં આવેલી મોટરોના કોપરના વાયરની ચોરીનો સિલસિલો જાણે બેફામ બન્યો છે. તાલુકાનું ભાગ્યે જ કોઈ ગામ એવું હશે જ્યાં ખેડૂતોની વાડીઓમાં કોપરના વાયરની ચોરીની ઘટના બની ન હોય. કેટલાક ગામોમાં તો લગભગ દરેક વાડીમાં આવી ચોરી થઈ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ખેડૂતો માટે ખેતી પહેલેથી જ ખર્ચાળ વ્યવસાય બની રહ્યો છે ત્યારે ચોરીના કારણે પડતા વધારાના આર્થિક બોજે તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ખેડૂતો બોર કે કૂવામાં મોટર મૂકીને ખેતી માટે પાણી મેળવતા હોય છે. આ મોટર સુધી વીજળી પહોંચાડવા માટે લાંબા અંતર સુધી કોપરના વાયરના કેબલ નાખવામાં આવે છે. કોપર મોંઘી ધાતુ હોવાથી ચોર ટોળકી માટે આ વાયર ચોરી આર્થિક ફાયદાનો ધંધો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ચોરી થયા બાદ ખેડૂતને ફરીથી મોંઘા ભાવે નવો કોપર વાયર ખરીદવો પડે છે. મોટર ચાલુ ન થાય ત્યાં સુધી ખેતીનું સિંચાઈ કાર્ય પણ ખોરવાય છે. આમ, એક તરફ વાયર ખરીદવાનો ખર્ચ અને બીજી તરફ ખેતીના કામમાં વિલંબ, બંને રીતે ખેડૂતને નુકસાન સહન કરવું પડે છે. સ્થાનિક સ્તરે ખેડૂતો પાસેથી મળતી વિગતો મુજબ, ચોરી કરતી ટોળકી રાત્રિના સમયે વાહનો લઈને વાડીઓ સુધી પહોંચે છે. અંદાજે આઠથી દસ જેટલા શખ્સો એકસાથે વાહનમાં આવીને ચોરીને અંજામ આપતા હોવાની વાતો સામે આવી રહી છે.
આવી ચોરીઓ પાછળ માત્ર વાયર ચોરનારા શખ્સો જ નહીં, પરંતુ ચોરીનો માલ ખરીદનાર લોકોની ભૂમિકા પણ તપાસનો મહત્વનો વિષય છે. કોપરના વાયર ચોરી કર્યા બાદ તેને ક્યાં વેચવામાં આવે છે? કોણ ખરીદે છે? કયા વેપારીઓ કે ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સુધી આ માલ પહોંચે છે? આ દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ચોરીના નેટવર્ક સુધી પહોંચવાની શક્યતા ઊભી થઈ શકે છે. વાડીઓમાં વારંવાર થતી કોપરના વાયરની ચોરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવાની જરૂૂર છે.
રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવું, ચોરીના બનાવો બનતા વિસ્તારોની ઓળખ કરવી, ગામના પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પર વાહનોની અવરજવર પર નજર રાખવી તથા ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજની તપાસ કરવી જરૂૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ ચેકીંગ સઘન બનાવવાની જરૂૂર છે. ખેડૂતો ઘોડેશ્વાર પોલીસની જરૂૂરિયાત અનુભવી રહ્યા છે.
ખેડૂતો માટે પણ જોખમ, પોલીસ FIR નોંધે છે કે નહીં તેની ખબર નથી
એકલદોકલ ખેડૂત માટે રાત્રિના સમયે આટલી મોટી સંખ્યામાં આવેલા તસ્કરોનો સામનો કરવો જોખમી બની શકે છે. ખેડૂત પોતાની વાડીમાં ચોરી થતી હોવાની જાણ હોવા છતાં જીવના જોખમે ચોરોને પડકારવા જાય તે યોગ્ય નથી. ખાસ કરીને રાત્રિના સમયે ખેડૂતોની સુરક્ષાનો પ્રશ્ન પણ એટલો જ ગંભીર છે. ચોરી અટકાવવાની જવાબદારી પોલીસ તંત્રની છે. પોલીસમાં જાણ થાય છે, પરંતુ FIR નોંધાય છે કે નહીં? આ સમગ્ર મામલે સૌથી ગંભીર સવાલ પોલીસની ફરિયાદ નોંધવાની પ્રક્રિયાને લઈને ઊભો થઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વાડીમાં કોપરના વાયરની ચોરી થયા બાદ તેઓ પોલીસને જાણ કરે છે. પોલીસ દ્વારા સ્થળ પર આવી પંચનામું કરવામાં આવે છે, પરંતુ FIR નોંધવામાં આવતી નથી તેવી ખેડૂતોની રજૂઆત છે.
