ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ વરસતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ વરસાદથી પાણી પૂરની સ્થિતિ સર્જાય છે. જ્યારે બીજી તરફ મહેસાણાના કડીમાં અડધી રાતે માત્ર બે કલાકના અરસામાં 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ બાદ આજે મેઘરાજાએ વલસાડ જિલ્લામાં જોરદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના ટૂંકા ગાળામાં જ વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધયો હતો. જ્યારે તેના બાદ ડાંગના ધ ડાંગ તાલુકામાં 3.11 અને નવસારીના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં અત્યાર સુધીમાં 29 તાલુકામાં મેઘમહેર થઇ ચૂકી છે.
આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.
યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.
