વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમમાં પસંદ કરાયો ત્યારે સૌને આશા હતી કે, વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં કરેલી આતશબાજી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોવા મળશે. હવે ક્રિકેટ ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવની આતસબાજી જોવા મળશે ખરી ? આ સવાલ થવાનું કારણ એ છે કે, ટીમ ઈન્ડિયામાં પસંદ થઈ ગયો હોવા છતાં વૈભવને બેંચ પર બેસાડી રખાય છે અને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન જ નથી મળતું. વૈભવને ભારતીય ટીમમાં પસંદ કરાયો પછી આપણી ટીમ આયર્લેન્ડ સામે 2 ટી-20 મેચ રમી અને ઈંગ્લેન્ડ સામે એક ટી-20 મેચ રમી પણ વૈભવને હજુ તક મળી નથી.
ક્રિકેટ ચાહકો વૈભવની જોરદાર ફટકાબાજી જોવા ઊંચાનીચા થઈ રહ્યા છે પણ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને વૈભવને હજુ રમાડવા જેવું લાગતું નથી તેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો ડેબ્યુ પાછળ ઠેલાઈ રહ્યો છે. ઈગ્લેન્ડ સામે બીજી ટી 20 મેચ 4 જુલાઈ એટલે કે શનિવારે રમાવાની છે ને એ પહેલાં જ વૈભવને તક આપવાની માગ શરૂૂ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકોથી માંડીને વિવેચકો સુધીના બધા વૈભવને તક મળવી જોઈએ એવું એકસૂરે કહી રહ્યા છે ત્યારે બીજી ટી-20માં વૈભવને તક મળે છે કે નહીં એ અત્યારે તો રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ક્રિકેટ ચાહકોની લોકલાગણી કે વિવેચકોની માગણીને આધારે નથી થતી. એ રીતે પણ ના કરી શકાય કેમ કે ટીમની પસંદગીમાં સંતુલન, વ્યૂહરચના, હરીફ ટીમની નબળાઈ ને તાકાત વગેરે બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. વૈભવને ત્રણ ટી 20માં ના રમાડાયો એ પાછળ પણ તેમાંથી કોઈ કારણ જવાબદાર હશે તેથી તેને પસંદ ના કરાયો એમ માની લઈએ પણ અત્યારે જે સંજોગો છે એ જોતાં વૈભવને તક મળે એ જરૂૂરી છે. વૈભવને તક આપવા માટેનું સૌથી મોટું કારણ તો આપણા ઓપનરોનો અસાતત્યપૂર્ણ દેખાવ છે.
ભારતીય ટીમે આયર્લેન્ડ સામે બે અને ઈગ્લેન્ડ સામેની પહેલી મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્માની જોડીને ઓપનિંગમાં ઉતારી હતી પણ આ જોડી જામી નથી. સંજુ સેમસને છેલ્લી ત્રણ મેચમાં 12 બોલમાં ગણીને 6 રન કર્યા છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં પણ સંજુએ 7 બોલ રમીને 1 જ રન કરેલો. સામે અભિષેક શર્માને દેખાવ એવો ખરાબ નથી. શર્માએ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટી 20માં 24 બોલમાં 59 રનની સ્ફોટક ઈનિંગ રમી જ્યારે આયર્લેન્ડ સામેની પહેલી મેચમાં પણ 20 બોલમાં 49 રનની તોફાની ઈનિંગ્સ રમેલી. આયર્લેન્ડ સામેની બીજી મેચમાં અભિષેક પહેલા જ બોલે ઝીરોમાં ઉડેલો પણ ત્રણ મેચમાં 44 બોલમાં 108 રન ખરાબ દેખાવ ના કરાય એ જોતાં અભિષેકને પડતો મૂકવા કારણ નથી પણ સંજુ સેમસનને પડતો મૂકીને વૈભવને ચોક્કસ તક આપી શકાય.

